________________
http://www.ShrimadRajchandra.org
૨૦૧
શ્રીમદ્ રાજચંદ્ર
૨૦૭
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭
કોઈ જાતની ક્રિયા જો કે ઉથાપવામાં નહીં આવતી હોય તોપણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ; જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે.
પરિણામે “સ”ને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં ‘સત્'ની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્યકથાનો પ્રસંગોપાત્ત તેમનાથી પરિચય કરવો; તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે; અને પેલું કારણ પણ ટળશે.
જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચનો કરતાં ‘વૈતાલીય’ અધ્યયન જેવાં વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે; અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી.
જે સાધુઓ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે; જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે; આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં તો હું તમને કંઈ કહેવા ઇચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ, તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી "ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમ જ મિથ્યાત્વ(સંદેહનું મંદત્વ થતું નથી; માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે; અને તે વિચાર્યે કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં. આપણે બધું જાણવાનું પ્રયત્ન કરીએ છીએ પણ આપણો ‘સંદેહ' કેમ જાય તે જાણવાનું પ્રયત્ન કરતા નથી. એ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી ‘સંદેહ’ કેમ જાય ? અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ જવાનું પ્રયત્ન કરવું જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય ? મિથ્યાર્દષ્ટિ છે કે સમ્યદૃષ્ટિ ? સુલભબોધી છે કે દુર્લભબોધી ? તુચ્છસંસારી છે કે અધિકસંસારી ? આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાનકથાનો તેમનાથી પ્રસંગ રાખવો યોગ્ય છે.
પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવી જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે, અને તે એ કે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.”
“સત્' સત્ જ છે, સરળ છે, સુગમ છે; સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ ‘સત્'ને બનાવનાર ‘સત્’ જોઈએ.
નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે; તેમાં અનંતા નય પરિણમે છે; તો એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે ? માટે નયાદિકમાં સમતાવાન રહેવું; જ્ઞાનીઓની વાણી ‘નય’માં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો ! વિશેષ કોઈ પ્રસંગે.
܀܀܀܀܀
૨૦૮
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭
અનંતા નય છે; એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે; એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે; માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં; એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાનીપુરુષો જ જાણે છે; અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાનીપુરુષોને