________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૩૭
સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો ‘નય'નો આગ્રહ કરે છે; અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટ્યો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી.
܀܀܀܀܀
૨૦૯
મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક ‘સત્’ને જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે.
તે જ પ્રીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે 'પરમસત્'ની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ.
તે ‘પરમસત્’ને ‘પરમજ્ઞાન’ કહો, ગમે તો ‘પરમપ્રેમ’ કહો, અને ગમે તો ‘સત્-ચિત્-આનંદ સ્વરૂપ’ કહો, ગમે તો આત્મા કહો, ગમે તો ‘સર્વાત્મા’ કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં.
એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે.
અમે જ્યારે પરમતત્ત્વ કહેવા ઇચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં.
૨૧૦
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭
સત્સ્વરૂપને અભેદભાવે નમોનમઃ
અત્ર પરમાનંદ છે, સર્વત્ર પરમાનંદ દર્શિત છે.
શું લખવું ? તે તો કંઈ સૂઝતું નથી; કારણ કે દશા જુદી વર્તે છે; તોપણ પ્રસંગે કોઈ સવૃત્તિ થાય તેવી વાંચના હશે તો મોકલીશ. અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.
સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી; અને એ મૂકવા યોગ્ય જ છે એમ દેઢ કરવું.
માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે.
૧સાથેના પત્રો વાંચી તેમાં યોગ્ય લાગે તે ઉતારી લઈ મુનિને આપજો. તેમને મારા વતી સ્મૃતિ અને વંદન કરજો, અમે તો સર્વના દાસ છીએ. ત્રિભોવનને જરૂર બોલાવજો.
૨૧૧
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭
‘સત્' એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે.
‘સત્’ જે કંઈ છે, તે ‘સત્’ જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ
૧. જુઓ આંક ૨૧૧, ૨૧૨.