________________
૧૯૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
મને રોકી શકતો નથી. બીજાં કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી, તેમ કોઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે ? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે.
મહારંભ, મહાપરિગ્રહ, કોધ, માન, માયા, લોભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણોથી જોવાં પડે છે. એ મહા ખેદ છે. અંતરંગચર્ચા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી, એવા પાત્રોની દુર્લભતા મને થઇ પડી એ જ મહા દુઃખમતા કહો.
܀܀܀܀܀
૮૩
વિ.સં. ૧૯૪૫
અત્ર કુશળતા છે; આપના તરફની ઇચ્છું છું. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું. તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ તે પત્ર આ છે-
આ પત્રમાં ગૃહાશ્રમ સંબંધી મારા કેટલાક વિચારો આપની સમીપ મૂકું છું. એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે, કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન-વલણ થાય, અને તે ક્રમ જ્યારથી આરંભવો જોઈએ તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે; એટલે તે ક્રમ જણાવવાનો ઉચિત સમય છે. તેમ જણાવેલા ક્રમના વિચારો ઘણા સાંસ્કારિક હોઈને પત્ર વાટે નીકળ્યા છે. આપને તેમ જ કોઈ પણ આત્મોન્નતિ વા પ્રશસ્ત ક્રમને ઇચ્છનારને તે ખચીત વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે,
તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો, ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છો ? ક્યાંથી આવ્યા છો ? કેમ આવ્યા છો ? તમારી સમીપ આ સઘળું શું છે ? તમારી તમને પ્રતીતિ છે ? તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશી છો ? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે; અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે; યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઇચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દૃષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારાં પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયો છે; એ વસ્તુનો અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે, અને ભાગ્યહીન અપાત્ર બન્ને લોકથી ભ્રષ્ટ થાય છે; એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે; કદાપિ તે ગુફાદર્શનની તેની ઇચ્છા ન હોય તોપણ પોતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જન્મ્યા તથા મૂઆની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે; તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો !
આપણે થોડીવાર તત્ત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી, આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં જણાવી જવું યોગ્ય જ છે કે, પૂર્ણાહલાદકર જેને માન્યું છે, પરમ