________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
“ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમભાવની (પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ (વર્તમાનકાળ) જાય છે, અને (ભવિષ્યકાળ) જશે અને (ભૂતકાળ) જતા.” અહીં કહે છે કે-આત્મા ત્રિકાળ નિરુપાધિ છે અને ચાર ભાવોને ઉપાધિકૃત કહ્યાં હતાં. સાવરણ કહો કે ઉપાધિથી ઉત્પન્ન થયેલાં કહો બન્ને વાત એક જ છે. ત્રિકાળ નિરુપાધિ અર્થાત્ ત્રણેકાળ જેમાં કર્મની કે રાગની ઉપાધિ લાગુ પડતી નથી તેવો ભાવ. આ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને ઉદય એ બધા પરિણામોના વિશેષણો છે. એ દ્રવ્યના વિશેષણો નથી. દ્રવ્ય સામાન્ય શુદ્ધાત્મા જે છે તે એક જ અવલંબન કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે. આત્માને જો શરણ હોય તો પોતાનો શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મામાં ચાર પ્રકારના પરિણામની ત્રણેયકાળ અભાવ છે.
ત્રિકાળ નિરુપાધિ અર્થાત્ ત્રણેકાળ જેમાં કર્મની ઉપાધિ કે રાગના સભાવ કે અભાવની અપેક્ષા આવતી નથી તેવો ત્રિકાળ નિરુપાધિ ભાવ જેનું લક્ષણ છે. જેનું એટલે મારું લક્ષણ છે, આત્માનું લક્ષણ છે તેમ નહીં. મારું આવું સ્વરૂપ છે હોં ! જેનું એટલે મારું આવું સ્વરૂપ છે. એવો નિરંજન નિર્દોષ પરમાત્મા છે. નિર્દોષ એટલે જેમાં અંજન-મેલ નથી.
ભગવાન આત્મા ત્રિકાળ નિરુપાધિ હોવાથી જે એક સમયમાત્ર પણ આત્મા અશુદ્ધ થયો નથી, થતો નથી અને કોઈ કાળે થશે નહીં. ભાઈ ! આત્મા અશુદ્ધ ન થાય, આસ્રવ અશુદ્ધ થાય. તેમ આત્મા શુદ્ધ પણ ન થાય. સંવર-નિર્જરા શુદ્ધ થાય અને મોક્ષ પરિપૂર્ણ શુદ્ધ થાય, જ્યારે હું તો પ્રથમથી જ શુદ્ધ છું. મારે શુદ્ધ થવું નથી. જે અશુદ્ધ થયો હોય તે શુદ્ધ થાવ તો થાવ અને ન થાવ તો ન થાવ! હું તો પ્રથમથી જ શુદ્ધ રહેલો છું. મારે શુદ્ધ થવું નથી ભાઈ !
આહા ! મારે શુદ્ધ થવું છે એમ જો તું વિચારમાં લઈશ તો વર્તમાનમાં હું અશુદ્ધ છું એમ તારે સ્વીકાર કરવો જ પડશે. અશુદ્ધતાનો સ્વીકાર કર્યા વિના મારે શુદ્ધ થવું છે એ વાત આવી શકશે નહીં. આહા! કાલ એ ભાઈ કહેતા હતા કેતમારે કયાં લઈ જવા છે! આત્મામાં લઈ જવા છે. આ લખનારની ભાવના એમ છે કે અમે અમારા શુદ્ધ આત્માને નિરંતર ભાવીએ છીએ. અમે પર્યાયને ભાવતા નથી. આહા! ચારિત્રની પ્રગટ થયેલી ત્રણ કષાયના અભાવપૂર્વકની વીતરાગતા અને અતીન્દ્રિયઆનંદની દશા પ્રગટ થઈ છે. અમે પર્યાયની ભાવના કરતા નથી. અમે ભાવનાની ભાવના નથી કરતા પણ ભાવની ભાવના કરીએ છીએ. અમે ત્રિકાળ ભાવને ભજીએ છીએ. અમે ક્ષણિકભાવને ભજતા નથી.ત્રિકાળભાવને ભજતાં અમને ભાવનાનું જ્ઞાન વર્તે છે. એ ભાવના અને ઉપાદેયપણે જ્ઞાનનું શેય થતું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk