________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૧૧૩
ટીકા : જન્મ એટલે સંસાર પ્રતિ દોરે છે-પ્રાપ્ત કરાવે છે. કોને ? આત્માને. કોણ તે ? દેહાદિમાં દઢ આત્મભાવનાવશ આત્મા જ (જન્મ પ્રાપ્ત કરાવે છે); અને પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિના પ્રકર્ષ સદ્દભાવથી આત્મા જ આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે, કારણ કે વાસ્તવમાં આત્મા આત્માનો ગુરુ છે; ૫૨માર્થે બીજો કોઈ ગુરુ નથી. વ્યવહારે તે હોય તો ભલે હો.
ભાવાર્થ : જે આત્મા દેહાદિમાં દૃઢ આત્મબુદ્ધિ કરે છે તે જન્મ-મરણરૂપ સંસારમાં ભ્રમણ કરે છે-અર્થાત્ આત્મા જ પોતાના આત્માને સ્વ-અપરાધથી સંસારમાં રખડાવે છે, અને તે જ આત્મા જો પોતાના આત્મામાં જ દૃઢ આત્મબુદ્ધિ કરે, તો તે સંસારભ્રમણથી મુક્ત થાય છે-નિર્વાણ પામે છે-અર્થાત્ આત્મા જ પોતાના આત્માને નિર્વાણ પમાડે છે; તેથી ૫૨માર્થે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ નથી.
વિશેષ
અહીં આચાર્યે સ્પષ્ટ કર્યું છે કે જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ઉપાદાનથી જ પોતાના આત્માનું હિત-અહિત કરે છે. તેમાં કર્મ કે ૫૨ પદાર્થો અહેતુવત્ છે અકિંચિત્કર છે.
જ્યાં સુધી જીવ પોતાના આત્માના સામર્થ્યનું ભાન કરી અંતરંગ રાગાદિ શત્રુઓ અર્થાત્ કષાયપરિણતિ ૫૨ વિજય પ્રાપ્ત કરી સ્વયં પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરતો નથી, ત્યાં સુધી તે સંસારરૂપી કીચડમાં ફસ્યો રહે છે અને જન્મમરણનાં અસહ્ય કષ્ટો ભોગવતો રહે છે, પરંતુ જ્યારે તે આત્મસ્વરૂપનું બરાબર જ્ઞાન કરી સ્વભાવ-સન્મુખ વિશેષ ઉગ્ર પુરુષાર્થ આદરે છે, ત્યારે ક્રમે ક્રમે રાગ-દ્વેષાદિ કષાય-ભાવોનો યા વિભાવ પરિણતિનો સ્વયં ત્યાગ થઈ જાય છે અને રાગાદિ ભાવથી સર્વથા મુક્ત થતાં અર્થાત્ પરમ વીતરાગતા પ્રાપ્ત થતાં તે મોક્ષ પામે છે.
‘આત્મા, પોતાના આત્મામાં મોક્ષસુખની સદા અભિલાષા કરે છે, અભીષ્ટ મોક્ષસુખનું જ્ઞાન કરાવે છે અને સ્વયં કલ્યાણકારી આત્મ-સુખની પ્રાપ્તિમાં પોતાને યોજે છે, તેથી આત્મા જ આત્માનો ગુરુ છે.
માટે આત્મા પરનું-નિમિત્તનું અવલંબન છોડી પોતે પોતાનો ગુરુ બને અર્થાત્ ધર્મની સિદ્ધિ માટે સ્વાશ્રયી બને, તો તે જન્મ-મરણનાં દુઃખોથી મુક્ત થઈ નિર્વાણ પામે. ૭૫.
૬.
स्वस्मिन् सदाभिलाषित्वादभीष्टज्ञापकत्वतः ।
स्वयं हितप्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ।। ३४ ।।
( ઇષ્ટોપદેશ - શ્લોક ૩૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com