________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ]
[ ૩૯૩
ભગવાન! કુટુંબ પ્રત્યે તારી ફરજ કેવી? કુટુંબ તો પ્રત્યક્ષ ભિન્ન પર વસ્તુ છે. તારી ફરજ તો તારામાં હોય કે પરમા-કુટુંબમાં? આત્માને પર પ્રત્યે ફરજ નથી. પર પ્રત્યે ફરજ માનનાર મૂઢ મિથ્યાદષ્ટિ છે અને તે અનંત સંસારમાં રખડનારા છે. ભગવાન! તારે પોતાનું હિત કરવું છે કે નહિ? જો તારે પોતાનું હિત કરવું હોય તો ધર્મ પ્રગટ કર. એ ધર્મ કેમ થાય? તો કહે છે કે પુણ્ય-પાપના ભાવને અને ભગવાન આત્માને ભિન્ન જાણે ત્યારે થાય. ભાઈ ! તું અનાદિ કાળથી જન્મ-મરણના ભાવમાં ઝોલા ખાતો દુઃખી થઈ રહ્યો છે. ભગવાન! તેં કહ્યાં ન જાય અને સહ્યાં પણ ન જાય એવાં મહા કષ્ટ-દુ:ખ ઉઠાવ્યાં છે.
જુઓ, લાઠીમાં એક અઢાર વર્ષની છોડી હતી. નવી નવી પરણેલી. તેને શીતળા નીકળ્યા. શરીરના રોમ રોમ પર શીતળાના દાણા અને દાણેદાણે ઈયળો પડેલી. બિચારીને પારાવાર વેદના; તળાઈમાં પાસું પલટે ત્યાં ચીસ પાડી ઉઠે; બિચારી રૂવે-રુવે, ભારે આક્રન્દ કરે, તેની માને તે કહેબા, આ તે શું થયું? આવાં પાપ મેં આ ભવમાં તો કર્યા નથી, આવું દુ:ખ તે કેમ સહન થાય? રડતી, ભારે કકળાટ કરતી વિલાપની દશામાં બિચારીનો દેહ છૂટી ગયો. ભાઈ ! આવાં તો શું આનાથી અનેકગણાં દુઃખ તે ભૂતકાળમાં ઉઠાવ્યાં છે. તું જાણે કે આ બીજાની વાત છે પણ એમ નથી ભાઈ ! આવા તો અનંત અનંતવાર પોતાને પણ ભવ થયા છે. મિથ્યાત્વના ફળમાં ચાર ગતિના, અને નિગોદના ભવ તને અનંતવાર થયા છે. ભગવાન ! આ તારા જ દુ:ખની કથા છે.
અહીં કહે છે-રાગથી-ક્રિયાકાંડથી ધર્મ માનનારને સંસારનું-દુઃખનું પરિભ્રમણ નહિ મટે; ભવનો અભાવ નહિ થાય. તો કેવી રીતે થાય ? તો કહે છે-ભાઈ ! ક્રિયાકાંડના રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એમ ભેદનો અભ્યાસ કરી, રાગથી લક્ષ છોડી ભેદજ્ઞાન વડે અવિચલપણે જ્ઞાનને જ્ઞાનમાં રાખીને શુદ્ધોપયોગપણે પરિણમતાં ધર્મ થાય છે અને ભવનો અભાવ કરવાની આ જ રીતે છે. આવી ભેદજ્ઞાનની ભૂમિકામાં સમકિતી જ્ઞાની રાગનો જરાય કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે અને એકલા જ્ઞાનમયભાવે પરિણમતો થકો તે સર્વથા રાગરહિત થઈ ભવમુક્ત થઈ જાય છે. અહો ! ભેદવિજ્ઞાન કોઈ અલૌકિક ચીજ છે. બનારસીદાસે કહ્યું છે ને કે
“ભેદજ્ઞાન સંવર જિન્હ પાયો, સો ચેતન શિવરૂપ કહાય.''
ભેદજ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે. આત્માના અનુભવથી રાગદ્વેષમોહનો નાશ થાય છે અર્થાત્ રાગદ્વેષમોહાદિ આસ્રવનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. રાગદ્વેષમોહુ આસ્રવ છે. તેના અભાવસ્વરૂપ સંવર છે. તે સંવર આત્માની શુદ્ધ ચૈતન્યમય પરિણતિરૂપ ધર્મ છે. લ્યો, આમ ભેદવિજ્ઞાન જ ધર્મનું મૂળ છે. સમજાણું કાંઈ...?
[ પ્રવચન નં. ૨૫ થી ૨૫૪
*
દિનાંક ૫-૧૨-૭૬ થી ૭-૧૨-૭૬]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com