________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
તેને તે કેમ કરે? જ્ઞાન તો માત્ર જાણે, રાગને કરવો એવો એનો સ્વભાવ જ ક્યાં છે? સ્વભાવને ગ્રહણ કર્યો પછી રાગનું કરવાપણું રહે જ કયાંથી?
તેથી એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે અને શુદ્ધઆત્માની ઉપલબ્ધિથી રાગદ્વેષમોહનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે.'
શું કહ્યું આ? કે દયા, દાન આદિના રાગથી ભેદ કરીને ભેદજ્ઞાન વડે આત્માની ઉપલબ્ધિ કહેતાં અનુભવ થાય છે. લ્યો, આ વિધિ કહી. ભાઈ ! આ વિધિ વિના આત્માનો અનુભવ થતો નથી. રાગ એ તો પરઘર છે અને પરઘરમાં જવું એ તો વ્યભિચાર છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, શુદ્ધ જ્ઞાનમયપણે પરિણમતું, જરીય રાગયુક્તપણે નહિ થતું થયું, જ્ઞાનપણે જ રહે છે અને અતીન્દ્રિય આનંદને અનુભવે છે. આ વિધિએ આત્માની ઉપલબ્ધિ થાય છે.
જેમ કોઈને શીરો બનાવવો હોય તો પહેલાં લોટને ઘીમાં શેકે, પછી ગોળનું પાણી એમાં નાખે. પણ કોઈ ઘીની બચત કરવા ખાતર પહેલાં લોટને ગોળના પાણીમાં નાખે અને પછી ઘીમાં શેકે તો શીરો તો શું લોપરી-પોટીસ પણ નહિ થાય. એનાં ઘી, લોટ, ગોળ બધુંય નકામું જશે. એમ કોઈ પહેલાં દયા, દાન, વ્રતાદિના ક્રિયાકાંડ કરે, કેમકે એ સહેલું પડે છે અને પછી સ્વરૂપનાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ થશે એમ માને તેને કહે છે-ભાઈ ! તારા વ્રતાદિના બધા ક્રિયાકાંડ ફોગટ જશે. ભાઈ ! ભેદજ્ઞાનથી નિર્મળ રત્નત્રય થાય પણ ભેદરત્નત્રયથી આત્માનુભવ કદીય ન થાય. ભેદરત્નત્રય પાળતાં પાળતાં નિશ્ચય નિરૂપચાર રત્નત્રય પ્રગટે એમ કોઈ માને તો એને મોટું મિથ્યાત્વનું શલ્ય છે.
પ્રશ્ન:- તો પ્રવચનસારમાં આવે છે કે જ્ઞાની સમકિતી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર, તપાચાર આદિ વ્યવહારને કરે છે?
ઉત્તરઃ- ભાઈ ! જ્યાં સુધી પૂર્ણતા ન પમાય ત્યાં સુધી સમકિતી જ્ઞાનીને આવો વ્યવહાર હોય છે એમ ત્યાં કહેવું છે. જ્ઞાની તેને પોતાનું કર્તવ્ય જાણી કરે છે એમ નથી; જ્ઞાની તો એ સર્વ વ્યવહારને સ્વરૂપથી ભિન્ન હેયપણે જાણે જ છે, કરતો નથી. ભાઈ ! ચરણાનુયોગમાં કથનની આવી વ્યવહારની શૈલી છે તેને યથાર્થ સમજવી.
અરે! એ સમજે ક્યારે? બિચારો આખો દિ' બૈરાને, છોકરાને, કુટુંબને પાળવાપોષવાનો અને રળવાનો એકલો પાપનો ઉદ્યમ કરવાથી નવરો પડે તો ને? એને પાપની મજુરીમાંથી નવરાશ કયો છે?
ત્યારે તે કહે છે-અમે તો અમારી કુટુંબ પ્રત્યેની ફરજ બજાવીએ છીએ. કુટુંબ પ્રત્યેની ફરજ તો બજાવવી જોઈએ ને? તેને કહીએ છીએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com