________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૧૭૭
એક ભાવઘાતી અને બીજું દ્રવ્યથાતી. ભાવઘાતી કર્મ એ જીવના જ્ઞાન, દર્શન આદિ ગુણોની ઊંધી (અશુદ્ધ, વિકારી) દશા છે અને દ્રવ્યઘાતી એ જીવની ઊંધી દશાના પરિણમનમાં નિમિત્ત જડ કર્મની અવસ્થા છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પૂર્ણસ્વભાવે ભરેલો ચિદાનંદઘન પ્રભુ ત્રિકાળ છે. એની સન્મુખ થતાં એની જે નિર્વિકલ્પ, નિર્મળ પ્રતીતિ થાય કે જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો આવે તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન ધર્મનું પ્રથમ સોપાન છે અને મોક્ષનું કારણ છે. એ મોક્ષના કારણથી વિપરીત છે તે મિથ્યાત્વભાવ છે અને તે ભાવઘાતી છે. જીવન પરની સાથે શું સંબંધ છે? દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય આદિ કર્મ છે એ તો જડ પુદ્ગલના ખેલ છે. કર્મથી, નિમિત્તથી વ્યવહારનયનું કથન કરવામાં આવે એ જુદી વાત છે, પણ કર્મ કે નિમિત્ત જીવને વિકાર કરાવે છે એમ છે નહિ. અહીં કહે છે-મિથ્યાત્વના ઉદયથી એટલે મિથ્યાત્વભાવ પ્રગટ થવાથી જ જ્ઞાનને-આત્માને મિથ્યાષ્ટિપણું આવે છે, કેમકે મિથ્યાત્વભાવ આત્માના સમકિતને રોકનારો વિરોધીભાવ-વિપરીતભાવ છે.
હવે કહે છે-“જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે.”
અહીં જ્ઞાન શબ્દ ત્રિકાળી આત્મા નહિ, પણ આત્માનું જ્ઞાનરૂપે પરિણમન થતાં સમ્યજ્ઞાન પ્રગટ થાય એની વાત છે. આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એની સન્મુખ ઢળતાં જે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ઝાઝું શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન છે એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. વળી આ વકીલાતનું કે દાક્તરીનું જ્ઞાન હોય તે પણ જ્ઞાન નહિ. જેમાં એલ. એલ. બી કે એમ.બી.બી. એસ ઇત્યાદિ પૂંછડાં લગાડ્યાં હોય એ જ્ઞાન તો કુશાન છે. જ્ઞાન તો એને કહીએ કે જે પૂર્ણાનંદનો નાથ જ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધાત્માને જાણતું-અનુભવતું થયું પ્રગટ થયું હોય. આ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનારું, તેનો વિરોધી અજ્ઞાન છે. જ્ઞાનને એકલું રાગમાં અને પર પદાર્થને જાણવામાં રોકવું તે અજ્ઞાન છે અને તે સમ્યજ્ઞાનનું વિરોધી છે.
હવે વીતરાગદેવે કહેલો મોક્ષનો માર્ગ કોને કહેવાય એની ખબરેય ન મળે અને મંડી પડે વ્રત ને તપ કરવા, તથા મંદિર બંધાવે અને જાત્રાઓ કરે અને માને કે ધર્મ થઈ ગયો; પણ એમાં તો ધૂળેય ધર્મ થતો નથી, સાંભળને. એ તો બધો શુભરાગ છે અને એથી પુણ્યબંધ થાય પણ ધર્મ ન થાય. એ પુણ્યબંધન સ્વભાવથી વિપરીત દશા છે એ તો અહીં સિદ્ધ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com