________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૧ ]
[ ૯
સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે. તે ભાવો નિમિત્તમાત્ર થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોત પોતાના ભાવના છે એ નિશ્ચય છે.
સમયસાર ગાથા ૯૧ : મથાળું
હવે, આત્માને ત્રણ પ્રકારના વિકારનું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે:
* ગાથા ૯૧ : ટીકા ઉપરનું પ્રવચન *
“આત્મા પોતે જ તે પ્રકારે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કર્તા થાય છે-સાધકની (અર્થાત્ મંત્ર સાધનારની) જેમ; તે (આત્માનો ભાવ) નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે.'
આત્મા પોતે જ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રરૂપ પરિણમવાથી જે ભાવને કરે છે તેનો તે કર્તા થાય છે. કર્મનો ઉદય છે તો રાગાદિરૂપે પરિણમે છે એમ નથી. પુણ્યથી ધર્મ થાય, વ્યવહારથી નિશ્ચય થાય, નિમિત્ત છે તે કર્તા છે-ઇત્યાદિ મિથ્યાશ્રદ્ધારૂપ આત્મા સ્વયં પરિણમે છે; કર્મ તેને પરિણમાવે છે એમ નથી. ભગવાન આત્મા પોતાની ચીજને ભૂલીને પોતે જ-“માત્મા દિ' છે ને-મિથ્યાત્વ, રાગદ્વેષ આદિ જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. મંત્ર સાધનાર સાધકની જેમ અજ્ઞાની પોતાના ભાવનો કર્તા છે. કેટલું સ્પષ્ટ છે! આત્માનો તે ભાવ નિમિત્તભૂત થતાં પુદ્ગલ દ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે.
આત્મા મિથ્યાત્વાદિ વિકારરૂપે પોતાથી થાય છે. વિકારભાવનો પોતે કર્તા અને વિકારભાવ તે એનું કર્મ છે. વિકારનો કર્તા, નિમિત્ત-કર્મ (નિમિત્તપણે રહેલું કર્મ) છે એમ ત્રણકાળમાં છે નહિ. જીવ ચારગતિમાં રખડે છે તે પોતાના કારણે રખડે છે, કર્મના કારણે નહિ. કર્મ તો જડ છે, પરદ્રવ્ય છે. કર્મ જીવને હેરાન કરે છે એ વાત યથાર્થ નથી.
સ્વભાવનું ભાન નથી ત્યાં સુધી મિથ્યાષ્ટિ મિથ્યાત્વભાવનો કર્તા છે. આત્માનો તે ભાવ નિમિત્તભૂત થતાં પુદગલદ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે. “સ્વયમેવ” પરિણમે છે-છે સ્પષ્ટ. આત્માના પરિણામ નિમિત્તભૂત થતાં જે જડકર્મ બંધાય તે પોતાથી બંધાય છે. તે જડની પર્યાય જડથી થાય છે; આત્મા કર્મની અવસ્થાનો કર્તા નથી. કર્મ બંધાય તેમાં જીવનો વિકારી ભાવ નિમિત્ત હોવા છતાં પુદ્ગલદ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે. જીવ અને કર્મપણે પરિણમાવે છે એમ નથી. જીવે રાગદ્વેષ કર્યા માટે કર્મને બંધાવું પડ્યું એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com