________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૭૭
જેમ નાળિયે૨માં ઉપરનાં છાલાં તેમ જ કાચલી છે તે નાળિયેર નથી. તથા તે કાચલી તરફની લાલ છાલ છે તે પણ નાળિયેર નથી. અંદર ધોળો અને મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આ શરીર છે તે ઉપરનાં છાલાં છે, અંદર જે કર્મ છે તે કાચલી છે તથા જે દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધ આદિ પુણ્ય-પાપના જે ભાવ તે લાલ છાલ છે. અને અંદ૨ આનંદનો શુદ્ધ ગોળો છે એ ભગવાન આત્મા છે. જેમ ધોળો અને મીઠો ગોળો તે નાળિયેર છે એમ જ્ઞાનાનંદ શુદ્ધ ગોળો એ આત્મા છે. આમ સર્વ ભિન્ન ભિન્ન છે. આવો સંતોનો ઉપદેશ છે. જન્મ-મરણ રહિત થવાની ચીજ તો જગતથી જુદી છે. ભાઈ ! તું જન્મ-મરણ કરીને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે છતાં તને થાક નથી લાગ્યો ? શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કેઃ
‘ અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને મૂકયાં નહિ અભિમાન.’
આત્મા જ્ઞાનરસ-ચૈતન્યરસથી પરિપૂર્ણ ભરેલું તત્ત્વ છે. તે સત્ છે, અને જ્ઞાન આનંદ તેનું સત્ત્વ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ કે હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભભાવ જે થાય છે તે વિકાર છે. તે આત્માનું સત્ત્વ નથી. આત્મા અને રાગ ભિન્નભિન્ન સત્ત્વ છે. બલ્કે રાગ તો બેડી સમાન છે. અશુભ રાગ લોઢાની બેડી છે તો શુભરાગ સોનાની; પણ છે તો બન્નેય બેડી. શુભરાગ પણ બેડી છે, ભલો નથી. પ્રભુ! તારી પ્રભુતાને તો એકવાર જાણ. જાણવું-દેખવું અને આનંદ એ તારી પ્રભુતા છે. એ તારા તત્ત્વનું સત્ત્વ છે. આત્મા અનાદિ-અનંત વસ્તુ છે. જે વસ્તુ છે તે ઉત્પન્ન થતી નથી તેમ જ એનો નાશ પણ થતો નથી. છતાં અજ્ઞાની અનાદિથી શું કરી રહ્યો છે? પ્રતિસમય નવા નવા થતા પુણ્ય-પાપના ભાવને પોતાના માની સૂતો છે. તેને શ્રીગુરુ કહે છે કે-પ્રભુ! તારી ભૂલ થાય છે. જે ચીજ ક્ષણિક છે અને જે ચીજ તારામાં નથી તેને પોતાની માનીને સૂતો છે એ મોટી ભૂલ છે.
શ્રીમદ્ રાજચંદ્ર એકવાર કહેતા હતા કે આત્માના ગુણોનો જેમ પાર નથી તેમ એના અપલક્ષણોનો પણ પાર નથી. પોતાની જાતને ન જાણવી અને રાગ તથા પુણ્યપાપને પોતાના માનવા એ અપલક્ષણ છે. જ્ઞાન નિજ લક્ષણ છે. તેને ઠેકાણે રાગને પોતાનું સ્વરૂપ માનવું તે અપલક્ષણ છે. ભાઈ! માર્ગ તો આવો છે, બાપુ. ભલે તને ન બેસે, પણ તારી ચીજ આવી છે, નાથ! કેટલાક કહે છે કે સંસ્કાર સુધારો. પણ એ તો કોલસાને સુધારવા જેવું છે. કોલસાને સુધારતાં કાળપ નીકળશે. પરંતુ જો ધોળાશ જોઈતી હોય તો તેને બાળવો પડશે. તેમ જો સુધારો કરવો હોય તો પુણ્ય-પાપના ભાવ મારા નથી એમ જાણી બાળી નાખ. નહીં તો સુધારો થશે નહિ. ભગવાન! મોક્ષનો માર્ગ કોઈ અલૌકિક ચીજ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com