________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
છે. રાગ એ તારું લક્ષણ નથી. શ્રીગુરુ પરભાવનો વિવેક કરી બતાવે છે, એનો અર્થ એ થયો કે ગુરુ તેને કહેવાય કે જે રાગથી આત્મા ભિન્ન છે એમ કહી ભેદજ્ઞાન કરાવે. રાગ કરવા જેવો છે કે રાગથી લાભ (ધર્મ) થાય-એવો જે ઉપદેશ આપે તે જૈનના ગુરુ નહિ પણ અજ્ઞાની છે. આત્મજ્ઞાનની અનુભવદશા જેને થઈ છે તે સાચા ગુરુ છે. આવા સાચા ગુરુ પરભાવને હૈય કરી બતાવે છે કે-ભાઈ! જ્ઞાન અને આનંદ એ તારું સ્વરૂપસત્ત્વ છે, પુણ્ય-પાપના કૃત્રિમ વિકલ્પો એ તારી ચીજ નથી. ધર્માત્માનો આવો ઉપદેશ, રાગને પોતાથી એક કરી માનીને બેઠો છે એવા અજ્ઞાનીને ભેદજ્ઞાન કરાવે છે.
જેમને ચૈતન્યસ્વભાવના આશ્રયે વીતરાગી પરિણિત થઈ છે તે શ્રીગુરુ ધર્માત્મા છે. તે મોક્ષમાર્ગને પામેલા છે. તેઓ ૫૨ભાવોને હૈય કરીને, અજ્ઞાનીને રાગ અને ત્રિકાળસ્વભાવની ભિન્નતાનો વિવેક કરાવે છે. જેમ ફોતરાં અને કસ બન્ને જુદી ચીજ છે, તેમ ભગવાન આનંદનો નાથ ચિદાનંદ પ્રભુ આત્મા કસ છે અને જે રાગના વિકલ્પો ઊઠે છે તે ફોતરાં છે. એ બન્ને ભિન્નભિન્ન છે. જ્યારે સૂપડામાં કસ અને ફોતરાં જલદી છૂટાં ન પડે ત્યારે જેમ ધબ્બો મારીને છૂટાં પાડે છે તેમ અહીં શ્રીગુરુ ધબ્બો મારીને જે બન્નેને એકાકાર માને છે તેને ભેદજ્ઞાન કરાવે છે, અને એક આત્મભાવરૂપ કરે છે.
ભાઈ! જાણવું-દેખવું એ તારો સ્વભાવ છે. તારું સ્વરૂપ પ્રજ્ઞાબ્રહ્મ છે. રાગ એ તારી ચીજ નથી. રાગ અને પ્રજ્ઞાસ્વભાવ ભિન્નભિન્ન છે. આ શરીર તો જડ માટી-ધૂળ છે. શરીર ચાલે કે વાણી નીકળે એ આત્માથી નથી. તેમ આ પુણ્ય-પાપના ભાવ પણ જડ અચેતન અને અંધકારરૂપ છે, જ્યારે ભગવાન આત્મા પ્રકાશમૂર્તિ પ્રભુ ચૈતન્યસૂર્ય છે. ચૈતન્યનો પ્રકાશ અને રાગ અંધકાર એ બન્ને ભિન્નભિન્ન છે. આ પ્રમાણે યથાર્થ ઉપદેશ કરી શ્રીગુરુ રાગ અને સ્વભાવનો ભેદ બતાવી વિવેક-ભેદજ્ઞાન કરાવે છે. બાપુ ! માર્ગ તો આવો છે. કોઈને બેસે કે ન બેસે તેથી સત્ય ફરી જાય નહિ.
જે રીતે દષ્ટાંતમાં અજ્ઞાની પુરુષ બીજાના વસ્ત્રને પોતાનું માની સૂતો છે તેને બીજો પુરુષ કે જેનું વસ્ત્ર છે તે જ્ઞાન કરાવે છે કે-ભાઈ! આ વસ્ત્ર તારું નથી, તું ભ્રમથી એને પોતાનું માની બેઠો છે. તેમ અજ્ઞાની પણ પરભાવરૂપ વિકલ્પોને-રાગને પોતાના માની તેમાં એકાકાર થઈને સૂતો છે. તેને શ્રીગુરુ રાગ અને આત્માનો ભેદ કરી વિવેક કરાવે છે, અને એક આત્મભાવરૂપ કરે છે. શ્રીગુરુ સમજાવે કે-ભાઈ! જ્ઞાન અને આનંદથી ભરેલો તું પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપે છે. રાગ તારી પોતાની ચીજ નથી. જે ચીજ પોતાની હોય તે જુદી પડે નહિ અને જે જુદી પડે તે ચીજ પોતાની નહિ. જો, આત્મા અંદર ધ્યાન કરીને પરમાત્મા થાય છે ત્યારે રાગ રહેતો નથી, રાગ છૂટો પડી જાય છે. માટે જાણનાર–દેખનાર આત્માથી તે ભિન્ન ચીજ છે. રાગ તારામાં નથી અને તું રાગમાં નથી. બન્ને ચીજ તદ્દન ભિન્ન ભિન્ન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com