________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અપ્રતિબુદ્ધ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ ઉપરથી એમ કહ્યું કે-અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદ્ગલ દ્રવ્ય છે. તેને (અપ્રતિબુદ્ધને) આચાર્ય કહે છે કે એમ નથી. તું ન વિભાગને જાણતો નથી. તે ન વિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છે:
* ગાથા ૨૭ : ટીકા ઉપરનું પ્રવચન *
જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એકક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે.” જુઓ, સોનું અને ચાંદીને ગાળી એક કરીને એને ધોળું સોનું એમ કહેવામાં આવે છે. પણ ધોળું તો રૂપુ (ચાંદી) છે અને સોનું તો પીળું છે. બન્ને જુદાં જુદાં છે. તેમ ચૈતન્ય લક્ષણવાન આત્મા છે અને અચેતન લક્ષણવાન (જડ) શરીર છે. એમ બન્ને જાદાં જુદાં છે.
કર્મનાં રજકણો કર્મની પર્યાયને કરે પણ આત્મા એને ન કરે તથા કર્મની પર્યાય આત્માને રાગ ન કરાવે, અહાહા! સ્વતંત્ર પરમાણુ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પોતાના અસ્તિત્વથી રહેલ છે. એ પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પ્રવેશ કર્યા વિના એને (પરને) કરે શી રીતે? એથી કહે છે કે આત્મા અને શરીર એક છે એ તો વ્યવહારનું કથન માત્ર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું કહેવામાં આવે છે. બન્ને એક ક્ષેત્રમાં રહેલાં છે એ અપેક્ષાએ અસદભૂત વ્યવહારનયથી એક છે એમ કહે છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી.
કારણ કે નિશ્ચયનયથી વિચારવામાં આવે તો જેમ પીળાપણું આદિ, અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવા સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે.” જુઓ, સોનું અને ચાંદીનો ભિન્નભિન્ન સ્વભાવ છે તેથી નિશ્ચયથી સોનું અને ચાંદી એક નથી. અરે ! સોનાના એક એક રજકણને બીજા રજકણનો સંબંધ નથી. પરમાણુ એકલો હોય તોપણ પોતાના સ્વચતુષ્ટયમાં (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં) છે અને સ્કંધમાં હોય તો પણ પોતાના સ્વચતુષ્ટયમાં છે. પ્રવચનસાર ગાથા ૮૭માં કહ્યું છે કે સ્કંધમાં પણ જે અનંત રજકણો છે તે દરેકે દરેક રજકણ સ્વતંત્ર છે, એકે એક રજકણ પોતાના સ્વચતુમાં છે, પણ અન્ય રજકણ સાથે અભેદ નથી. અનંત રજકણો અનંત તત્ત્વ છે. તે પ્રત્યેક સ્વપણે રહે અને પરપણે ન રહે તો અનંત અનંતપણે રહી શકે. અનંતની અનંતતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા જાય તો પ્રત્યેક પોતામાં છે અને પરમાં નથી એમ પ્રત્યેકની ભિન્નભિન્ન સ્વસત્તા (સ્વરૂપ અસ્તિત્વ) સિદ્ધ થઈ જાય છે. ભાઈ ! પરથી આમાં થાય અને આનાથી પરમાં થાય એમ માને તો અનંતની ભિન્નભિન્ન સત્તા સિદ્ધ નહિ થાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com