________________
૮૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સત્તા છે. એક સમયની પર્યાયના પ્રગટ અંશની પાછળ આખું હોવાપણું છે એ મોટું તત્ત્વ છે, મહાપ્રભુ છે. પરંતુ કર્મના સંગે પડેલો-ચડેલો જીવ આત્માના આ અસંગતત્ત્વને ભૂલી ગયો છે ને તેથી તે મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. ‘તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે.” ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ તીર્થકરની વાણીમાં જીવ આવો (જ્ઞાનમય) છે એમ બતાવ્યું છે. એ તીર્થકર વીતરાગની તેમ જ દિગંબર સંતોની વાણી સિવાય ત્રણકાળ ત્રણલોકમાં ક્યાંય આત્માને બતાવનાર કોઈ છે નહીં, બીજે ક્યાંય આ વાત છે નહીં. આવી વાત છે! જુઓ તો ખરા શૈલી!
જુઓ, અહીં કહ્યું કે આવો આત્મા પ્રગટરૂપ વસ્તુ છે. એક સમયમાં તેનો જ્ઞાનસ્વભાવ અનંત-અપરિમિત છે, દર્શનસ્વભાવ અનંત-અપરિમિત છે, આનંદસ્વભાવ અનંત-અપરિમિત છે એમ એક-એક કરીને અનંત ગુણોનું અનંત-અપરિમિતપણું છે. આવો અનંત ગુણોનો પીંડલો પ્રભુ આત્મા ધ્રુવપણે પ્રગટ છે. છતાં જ્યારે તેનો સ્વીકાર નહોતો ત્યારે તેનું મરણ થતું હતું. જ્યાં સુધી તેની દષ્ટિ એક સમયના અંશ ઉપર અને રાગ ઉપર હતી કે આ પુણ્ય મેં કર્યા છે અને પુણ્ય મારું છે, ત્યાંસુધી તે (રાગ) ઉપરની દષ્ટિથી આવા આત્મતત્ત્વનું મરણ કર્યું હતું. અર્થાત્ આત્માનો નકાર કર્યો કે આત્મા હું નહીં, હું આવડો નહીં તે જ તેનું (-આત્માનું) મરણ હતું. આવી વાત છે ભગવાન! હવે મરણ થતું હતું તે ભ્રાંતિ પરમગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળવાથી મટે છે. ત્રિલોકનાથ ભગવાનની વાણીમાં એમ આવે છે કે “તું પૂર્ણ પરમાત્મા છો'. આમ કહીને ભાઈ! જુઓ, જિનનો ઉપદેશ આવો આવ્યો હતો એમ કહે છે. પરંતુ જિનનો ઉપદેશ બીજા પ્રકારે હોય જ કેમ? ‘પ્રભુ! તું પૂર્ણ છો હોં. પ્રભુતારામાં અનંત-અનંત ગુણની પૂર્ણતા પડી છે, પૂર્ણ રૂદ્રમ્ છો. તારામાં વિપરીતતા પણ નહીં અને અપૂર્ણતા પણ નહીં. આવું તારું પૂર્ણ સ્વરૂપ છે.' - આવું (આત્માનું પૂર્ણસ્વરૂપ) વીતરાગની વાણીમાં જ આવે હોં.
(પ્રવચન દસ મીનીટ વધારે ચાલ્યું.) પૂજ્ય ગુરુદેવશ્રી કહેઃ કેટલો સમય થયો? અહીં તો આનંદમાં કેટલો સમય થયો તે પણ કાંઈ ખબર પડી નહીં. લ્યો, નવ ને દશ મીનીટ થઈ ગઈ....