________________
ગાથા – ૬૧]
[૮૩
અહો! અનાદિથી આત્માને રાગવડે મારી નાખ્યો હતો, પણ હવે અનંતગુણનો પીંડ એવા જીવને જેણે પર્યાયમાં જીવતો પ્રગટ કર્યો તેનો અવતાર ધન્ય રે ધન્ય છે, તેણે જન્મને સફળ કર્યો છે, આ સમિતિએ તેના જીવનને જીવતું કર્યું છે. તે વાત તો એક કલશમાં ભાઈ! આવે છે ને? કે જીવનું મરણ થતું હતું.... જીવ મરતો હતો.... (આધાર ગોતવા માટે શાસ્ત્ર ઉઘાડતા એ જ કલશ આવ્યો.) લ્યો, (હું) વિચારતો હતો કે ક્યાં (એ વાત) હશે ત્યાં એ જ કલશ આવ્યો. જુઓ, કુદરત પણ સામે છે ને ! ‘સમયસાર કલશ ટીકા'નો ૨૮ મો કલશ છે. તેમાં કહે છે કે: ‘જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું.’ એટલે કે કર્મના સંગે ઉત્પન્ન થયેલો રાગ હું છું એમ જે માને છે તેણે આવા વીતરાગી સ્વભાવનો અનાદર કર્યો છે અને તે જ જીવનું મરણ છે. ‘જીવદ્રવ્ય પ્રગટ જ છે' કહેતાં પૂર્ણ જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્માનું—અનંત ગુણરૂપ જીવનું—જીવન ત્રિકાળ રહેનાર છે. અર્થાત્ તે ત્રિકાળ જીવતું તત્ત્વ છે. જેમ કે શ્રી સીમંધરસ્વામીને ‘જીવંતસ્વામી’ કહ્યા છે. તેઓ જીવતા (વિદ્યમાન) છે, જ્યારે મહાવીરભગવાન આદિ મોક્ષ ગયા છે. માટે બયાનામાં શ્રી સીમંધરભગવાનને જીવતા સ્વામી (-જીવંતસ્વામી) કહ્યા છે. બયાનામાં ૫૧૬ વર્ષ પહેલાંની શ્રી સીમંધરભગવાનની એક પ્રતિમા પધરાવેલી છે. તેમાં લખેલું છે કે ‘જીવંતસ્વામી’ અર્થાત્ જીવતા સ્વામી, જીવતા ભગવાન.
અહા! શ્રી સીમંધરપરમાત્મા આયુષ્ય સહિત છે તોપણ અંદરમાં જીવનમુક્ત છે અને તેમને જીવંતસ્વામી કહ્યા છે. તેમ આ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જ્યાં સ્વીકાર થયો ત્યાં તે જીવતો સ્વામી છે તેમ જણાય છે. પરંતુ જ્યાંસુધી તેનો સ્વીકાર નહોતો ત્યાંસુધી રાગનો સ્વીકાર હતો અને ત્યારે આત્માનું મરણ થતું હતું.
‘આત્માના મરણ’નો અર્થ?
કે આવો આત્મા છે તેનો સ્વીકાર ન કરવો. એટલે કે આવો આત્મા નથી, હું આત્મા નથી એમ સ્વીકારવું તેને આત્માનું મરણ કહેવાય છે. હું તો એક સમયની પર્યાય અને રાગ જેટલો છું એમ જેણે માન્યું છે તેણે ચૈતન્ય આત્માની ત્રિકાળી જીવનજ્યોતનું મરણ કર્યું છે, હિંસા કરી છે. આવી વાત છે!
અહા! કહે છે કે નિધિ તો હતી જ, પરંતુ હવે જોવામાં આવી કે ‘ઓહો આ નિધિ!” તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે. કેમ કે વસ્તુ છે તે હોવાપણે છે, તેનું અસ્તિત્વ છે, તેની