________________
૮૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જૈનધર્મની પર્યાય કાંઈ બહારમાં રહેતી નથી, પરંતુ અમારી ખાતરીમાં (-શ્રદ્ધામાં), અમારા ભાનમાં (જ્ઞાનમાં) અને અમારી દશામાં (-ચારિત્રમાં) જૈનધર્મ રહે છે-વર્તે છે. જૈનધર્મ-જૈનશાસન કોઈ દ્રવ્ય કે ગુણ નથી તેમ જ અન્ય પરમાં પણ તે નથી. તે તો આત્માની વીતરાગી પર્યાય છે. માટે જૈનશાસન કાંઈ આત્માની પર્યાયથી બહાર ન હોય. એ વાત તો “સમયસારની ૧૫ મી ગાથામાં આવી છે ને? કે અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જ્યાં તેની અંતર સન્મુખ થઈને અનુભવ કર્યો ત્યાં જે દશા પ્રગટી તેને જૈનશાસન કહે છે. આમ, શુદ્ધપર્યાયને જૈનશાસન કહે છે, પણ દ્રવ્ય-ગુણને નહીં. જો કે ગુણરૂપ જૈનપણું તો સ્વભાવરૂપે છે જ, પરંતુ આ તો પ્રગટેલા જૈનશાસનની વાત છે.
આ જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી, (પરંતુ વસ્તુનું સ્વરૂપ છે.) અહા ! વસ્તુ જ જિનસ્વરૂપ છે. જિન એટલે ત્રિકાળી વીતરાગસ્વભાવ. કહ્યું છે ને? કે “જિન સો હી હૈ આતમા'. તો, તેનો અંતર આશ્રય કરતા, તેની અંતર એકાગ્રતા થતા જે વીતરાગધારા પ્રગટ થાય તે જૈનધર્મ-જૈનશાસન છે. અને એ તો વસ્તુની સ્થિતિ છે. પણ કાંઈ સંપ્રદાયની વાત નથી કે અમારામાં આમ કહ્યું છે અને તમારામાં આમ કહ્યું છે. અરે! જૈનધર્મની વાતો અને ભાવ બીજે ક્યાં છે બાપા? જૈનધર્મ શું ચીજ છે (તેની લોકોને ખબર નથી.) અહા! વીતરાગ માર્ગ અનેકાંતરૂપ છે એટલે કાંઈ બીજા બધાને એકસાથે ભેગા મેળવીને તેને ક્યાં છે એમ નથી. બીજા બધાના અનેક મત છે તેને ભેગા કરીને જૈનધર્મ બનાવ્યો છે એમ નથી. પણ અનેકાંત એટલે જેમાં અનંત ધમ-ગુણ છે તે. તો, કહે છે કે અનંત ગુણોનું એકરૂપ એવો આત્મા જિનસ્વરૂપ છે. અને તેનો આશ્રય કરતા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગપર્યાય પ્રગટ થાય તેનું નામ જૈનશાસન છે. આ રીતે વીતરાગપર્યાય તે જૈનશાસન છે અને વસ્તુ તે જિનસ્વરૂપ છે, પણ વચ્ચે રાગ આવે તે જૈનશાસન નથી એમ સિદ્ધ કરવું છે.
આવો માર્ગ વીતરાગનો, ભાખ્યો શ્રી વીતરાગ;
સમવસરણની મધ્યમાં, શ્રી સીમંધર ભગવાન. ત્રિલોકનાથ પરમાત્મા શ્રી સીમંધરભગવાન મહાવિદેહમાં સર્વજ્ઞપદે બિરાજે છે અને ત્યાં સમવસરણમાં આ માર્ગને ભગવાન કહે છે—કે જેને ઈંદ્રો સાંભળે છે અને ગણધરો ઝીલે છે.