________________
ગાથા – ૬૧]
[૮૧
આ નિયમસાર એટલે વસ્તુ જે પૂર્ણાનંદસ્વરૂપ ત્રિકાળી પ્રભુ ભગવાન આત્મા છે તેની અંતર સન્મુખ થઈને તેને જાણીને અને તેની પ્રતીત કરીને તેમાં ઠરવું તે. નિયમથી કરવાલાયક કર્તવ્ય કોઈ હોય તો તે આ છે, તેમ જ એ સુકૃત છે. અહીં પણ ‘સુકૃત’ શબ્દ છે ને? તો, કહે છે કે એ સુકૃતરૂપી ધાન્યના રાશિને-ઢગલાને એટલે કે આનંદ, શાંતિ, જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણની નિર્મળ પરિણતિને સંતોષ દેનારી મેઘમાળા તે ઇર્યાસમિતિ છે. લ્યો, અનંત-અનંત ગુણોના પીંડ પ્રભુ આત્માની પરિણતિમાં અનંત ગુણની નિર્મળદશા પ્રગટ થઈ તે પર્યાયમાં જાણે કે ધાન્યનો રાશિ પાક્યો એમ કહે છે. તે નિર્મળદશારૂપી ધાન્યનો પાક થયો તેને પોષનારી મેઘમાળા આ ઈય્યસમિતિ છે. જુઓ તો ખરા! (કેવી ઉપમા આપી છે!) જેમ ધાન્ય ઉગ્યા હોય અને વરસાદની-મેઘની ધારા પડે તો ધાન્યને પુષ્ટિ આપનારી છે તેમ અંદરમાં જોઈને પરિણમન કરવું એવી ઈર્યાસમિતિ અનંત ગુણની પરિણતિને સંતોષ દેનારી છે. અહો! મુનિને કહેવા (વર્ણવા) માટે શબ્દો ઓછા પડે છે! અરે! આવું હજુ કાને પડવું પણ મુશ્કેલ છે!
‘તે આ સમિતિ જયવંત છે.'
આમ કહીને શું કહેવા માગે છે? શું બતાવે છે? કે આવી સમિતિ પોતાનામાં છે, તેની હયાતી છે એમ બતાવે છે. તેમ જ ‘આ’ કહીને કોઈક બીજા જીવમાં સમિતિ જયવંત છે એમ નહીં, પરંતુ આ રીતે મારામાં જ મારી શુદ્ધ પરિણતિની ધારા વહે છે અને તે જયવંત વર્તે છે એમ પદ્મપ્રભમલધારીદેવ કહે છે. અહા! શું રચના! સિદ્ધાંતની આ રચના એકલા આત્માને ઉપાડીને (-મુખ્ય રાખીને) રચી છે!
‘તે આ સમિતિ...’ જુઓ, ‘આ’ શબ્દ પડ્યો છે. અને ‘આ’ શબ્દ પ્રત્યક્ષપણાને બતાવે છે. તેથી કહે છે કે મારી પાસે સમિતિ જયવંતપણે વર્તે છે, અસ્તિપણે વર્તે છે તેમ જ તેની મને ખબર પણ છે. પાઠ પણ છે ને? કે ‘નયતિ સમિતિ.' તો, ‘નયતિ’ નો અર્થ આ છે કે મારી પાસે સમિતિની પરિણતિ છે તે જયવંત વર્તે છે. મારામાં ધાન્ય પાકયા છે તેને સંતોષ દેનારી જે મેઘમાળા મારામાં વર્તે છે તે જયવંત વર્તે છે. અર્થાત્ ધ્રુવ ભગવાન આત્માનું શુદ્ધ પરિણમન છે—અનંત ગુણની નિર્મળધારા છે—તેને આ સમિતિ મેઘમાળા સમાન છે અને તે સમિતિ જયવંત વર્તે છે. જુઓ તો ખરા શૈલી! એ તો પહેલાં પણ કહ્યું છે ને? કે ‘જિનધર્મ જયવંત વર્તે છે.’ – એમ નથી કહ્યું ભાઈ? ૫૬ મી ગાથાના (૭૬ મા) શ્લોકમાં ‘તે જિનધર્મ જયવંત વર્તે છે’ એમ કહ્યું હતું. એટલે એમ કહે છે કે અમારો જિનધર્મ અમારી પર્યાયમાં વર્તે છે.