________________
ગાથા – ૬૧]
[૭૧
પૂર્ણ મુક્તદશાને પ્રાપ્ત કરવામાં તેની સખી–બહેનપણી એવી સમિતિ કારણ છે. તે સમિતિ, પૂર્ણાનંદસ્વરૂપ આત્માની નિર્મળ વીતરાગપણે ગતિ-પરિણતિ થવી તે છે. નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ શાંતિ, નિર્વિકલ્પ આનંદરૂપ જે આ શુદ્ધ ગતિ–પરિણતિ છે એટલે કે સમ્+ઈતિ – સમ્યક પ્રકારે શુદ્ધતાનું પરિણમન થવું એવી જે આ સમિતિ છે તે સર્વદા મુક્ત જ છે. લ્યો, સમિતિ એટલે આત્માને જોઈને ચાલવું. આત્માને જોઈને ચાલવું એટલે આત્મા અખંડાનંદ પ્રભુ છે એમ તેને જોઈને પરિણમન કરવું. કહો, આવું તો (પોતાના માનેલા) પૌષધ-પ્રતિક્રમણમાં સાંભળ્યું પણ નહીં હોય? અરે! ભગવાને ભગવાનને સાંભળ્યો નહીં !
અહા! નિશ્ચય સમિતિનું પરિણમન તો, કહે છે કે, ચૈતન્યચમત્કારમય ધ્રુવનું અવલંબન લઈને સમ્યપણે શુદ્ધપણે પરિણમવું તે છે. બીજી રીતે કહીએ તો, જેવું સ્વરૂપ છે તેવું પરિણમવું તે સમિતિ છે. લ્યો, આ નિશ્ચયસમિતિ. તે સિવાય બહારમાં જોઈને ચાલવાનો રાગ તો પૂર્ણપણે વિકલ્પ-વ્યવહારસમિતિ છે. તે વ્યવહારસમિતિ આત્મવસ્તુમાં અને ધર્મની પર્યાયમાં પણ નથી. એ તો પરમાં જાય છે. (હા), તે વ્યવહારસમિતિનું જ્ઞાન જ્ઞાનીને હોય છે. જુઓ, આ સંતોની સમિતિ !
ઈસમિતિ એટલે જોઈને ચાલવું. તો, શું જોઈને ચાલવું જોઈને ચાલવું એટલે શું? કે જોઈને ચાલવું એટલે ભગવાન આત્માને – કે જે પૂર્ણ ચૈતન્યચમત્કારમાત્ર છે તેને – જોઈને તેનું પરિણમન કરવું. પરંતુ, ‘એ આત્મા પૂર્ણસ્વરૂપ છે એવો દષ્ટિમાં સ્વીકાર થવો તે અપૂર્વ ચીજ છે હો. અરે ! એ જ ચીજ છે. (-એ જ કરવાનું છે.) અનાદિકાળથી એક સમયની પર્યાયનો જ તેને અભ્યાસ છે, જે પ્રગટ છે તેની જ રમત રમે છે. તેથી, ભગવાન આત્માના—કે જે આખો પૂર્ણસ્વરૂપ મહાપ્રભુ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ છે તેના – સ્વભાવ સન્મુખની દષ્ટિ અનાદિથી નથી એટલે, આત્મચીજનું માહાભ્ય તેને કેમ આવે? અરેરે ! ચૈતન્ય મહાપ્રભુ પૂર્ણાનંદસ્વરૂપ હોવા છતાં અજ્ઞાનીને તેની સન્મુખતા નથી, તેનો સ્વીકાર નથી. એટલે કે અજ્ઞાનીને ત્રિકાળી ભગવાન આત્માનો અસ્વીકાર છે. તેની વિમુખતામાં (અસ્વીકારમાં) તેને નિમિત્ત, રાગ અને પર્યાય-એક અંશ તેનો સ્વીકાર છે. પરંતુ હવે આવો જે અંદરમાં પૂર્ણસ્વરૂપ મહાપ્રભુ ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે તેને પર્યાય દ્વારા અવલંબે તો તેનું પરિણમન શુદ્ધ થાય અર્થાત્ જેવો પોતે છે તેવું શુદ્ધ પરિણમન થાય અને તે આત્માની ગતિ છે, મતિ છે, ફળ છે, મુક્તદશા છે.