________________
ગાથા – ૬૦]
[પ૭
એ તો ધર્માત્માની સ્થિતિ જ છે, તેવી જ તેમની દશા છે, એવું જ તેમનું સ્વરૂપ છે. નિજાનંદમાં – આનંદના ધામમાં – રમતા, સુખાત્મક સ્થિરતા કરતા એવા સંતોને આ (સ્વરૂપમાં સ્થિરતા) કરવું તે કાંઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે એ તો તેમની સ્થિતિ જ છે. લ્યો, આનું નામ ચારિત્ર અને મુનિપણું.
“અસપુરુષોને આશ્ચર્યની વાત છે.”
જેને આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે – આનંદનો ગાંઠડો છે એવી ખબર નથી અને જેણે પરમાં-ધૂળમાં, પુણ્ય-પાપમાં સુખબુદ્ધિ માની છે એવા અજ્ઞાનીને આત્મામાં કરવું તે આશ્ચર્યકારી વાત છે, આશ્ચર્યની વાત છે. અર્થાત્ તેઓ તે (આત્મામાં સ્થિરતા) કરી શકતા નથી. ‘આ સત્ શું (કેવું) છે? અને તે સમાં સ્થિરતા કેવી હોય? (કેવી રીતે થાય?) - એમ અસપુરુષોને આશ્ચર્યની વાત છે. તેમને આશ્ચર્ય લાગે છે કે આ શું છે? અંદર સુખરૂપ સ્થિરતા થાય તેને ચારિત્ર કહે છે તો શું આવી સ્થિરતા થઈ શકે? શું કહે છે આ? ગપ મારતા લાગે છે. અહીં કહે છે કે ભગવાન! તને ખબર નથી પ્રભુ! પોતાની ચીજ–પૂર્ણાનંદનો નાથ આત્મા–જ્યાં પોતાને પ્રતીતમાં આવ્યો ત્યાં તેમાં સુખરૂપ દશાથી સ્થિરતા કરવી એ તો સંતોનું સહજ-સ્વાભાવિક આચરણ છે. માટે એ કાંઈ આશ્ચર્યની વાત નથી. પણ અસપુરુષોને તે આશ્ચર્યની વાત છે.
અજ્ઞાની કહે છે કે ચારિત્રમાં કેટલું સહન કરવું પડે! બહુ પરિષહ સહન કરવા પડે. જેમ કે ગરમ પાણી પીવું, ઉઘાડા પગે ચાલવું, રાત્રે આહાર ન કરવો, જોઈને ચાલવું વગેરે. - આવી રીતે ભગવાનનો માર્ગ તો તલવારની ધાર જેવો અર્થાત્ દુ:ખરૂપ છે, મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે. બાપુ! તને ખબર નથી હોં. તને સપુરુષોના ચારિત્રની રમતની ખબર નથી. કેમ કે તે તો ચારિત્રને દુઃખરૂપ માન્યું છે, જ્યારે ચારિત્ર તો સુખરૂપ દશા છે. જ્યાં અંદરમાં સ્વરૂપની સમ્યક દષ્ટિ થઈ, આનંદમૂર્તિ-આનંદનું ધામ મારી ચીજ છે એમ જ્યાં અનુભવ થયો ત્યાં તેમાં આનંદમય રમણતા થાય એટલે કે આનંદ સહિત - સુખાકાર સ્થિરતા થાય તે ચારિત્ર છે. અને તે તો સંતોની દશા જ છે. લ્યો, આને ગમો તો સવ્વસાહૂણ કહે છે. ગણધરદેવ આવા સાધુને નમસ્કાર કરે છે. ગણધર પાંચ પદ રચે છે ને? તો, ત્યારે તેમાં એમ રચે છે કે –
णमो लोए सव्व अरहंताणं, णमो लोए सव्व सिद्धाणं, णमो लोए सव्व आयरियाणं, णमो लोए सव्व उवज्झायाणं, णमो लोए सव्व साहूणं ।