________________
ગાથા – ૬૦]
[પપ
જુઓ, ભાષા કેવી કરી છે કે ‘નિરુપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે).... અર્થાત્ પૂર્ણાનંદના નાથ ભગવાન આત્માની પર્યાયમાં પ્રાપ્તિ માટે સ્થિરતા કરો. ભગવાન! તારા પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ માટે નિજ આત્મામાં અવિચળ સ્થિરતા કરો. લ્યો, ‘નિજ આત્મા’ કહેતા ત્રણ લોકના નાથ કેવળી ભગવાન પણ નહીં, કેમ કે એ તો પર છે. ‘નિજ આત્મા’ કહેતા પોતાનો ભગવાન આત્મા. અહા! આત્મા જ એને કહીએ કે જે પૂર્ણ હોય અને જેમાં રાગ પણ હોય નહીં તેમ જ એક સમયની પર્યાય પણ હોય નહીં. આવા નિજ આત્મામાં અવિચળ સ્થિતિ કર. મતલબ કે જેવી ચીજ અવિચળ છે તેવી પર્યાયમાં અવિચળ સ્થિતિ કર એમ કહે છે. આ વાત બાપા! આકરી-મોધી છે. કારણ કે તેણે તે વાતને કોઈ દિ' જાણી નથી અને બહારના કડાકૂટામાં પડીને વાસ્તવિક તત્ત્વને ભૂલી ગયો છે.
હવે કહે છે કે જગતજનોને દુર્લભ અર્થાત્ સાધારણ પ્રાણીઓને સ્વરૂપની પ્રાપ્તિ અર્થે આત્મામાં સ્થિરતા જોઈએ તે દુર્લભ છે. અહીંયા સ્થિરતાની વાત કરી છે, કેમ કે અહીંયા ચારિત્ર લેવું છે ને? ચારિત્રની વ્યાખ્યા છે ને? અહા! ત્રિકાળી, નિરુપમ આનંદનું ધામ એવો નિજ સ્વભાવ છે તેમાં પૂર્ણ ભગવાન આત્મા છે અને તેની પ્રાપ્તિ અર્થે સ્વરૂપમાં અવિચળ સ્થિરતા-રમણતા કર. સ્થિર થવું = ચરવું = રમવું. નિજાનંદસ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મા છે તેમાં રમવું તે ચારિત્ર છે. જો કે રમવું તે પર્યાય છે, છતાં દ્રવ્યમાં રમણતા કરવાની છે કે જે ચારિત્ર પર્યાય છે. તેવી રીતે અનુભવ પણ પર્યાય છે, કાંઈ દ્રવ્ય નથી. અહા! આવી વસ્તુની સ્થિતિ છે તેમ તેના જ્ઞાનમાં અને શ્રદ્ધામાં પ્રથમ આવવી જોઈએ, તો પછી તેને સ્થિરતા થાય એમ કહે છે.
જુઓ, અહીં શું કહે છે? કે પૂર્ણ આનંદનું ધામ – નિવાસસ્થાન એવા ભગવાન આત્મામાં અવિચળ અને સુખાકાર–સુખમયી–આનંદમયી–સ્થિરતા કર અને તેનું નામ ચારિત્ર છે. પૂર્ણ આનંદનું ધામ-નિવાસસ્થાન એવા આત્મામાં અતીંદ્રિય આનંદ સહિત જગતજનોને દુર્લભ એવી સ્થિરતા પર્યાય દ્વારા કરો એટલે કે અતીન્દ્રિય આનંદના ધામમાં સુખાકાર-આનંદ સહિત સ્થિરતા કરો એમ કહે છે. આમ કહીને ચારિત્ર સુખનું દેનાર છે એમ કહે છે. રાગ છે તે દુ:ખ દેનાર છે, જ્યારે ભગવાન આત્મામાં સ્થિરતારૂપ ચારિત્રદશા આનંદદાતા–સુખાકાર છે. મતલબ કે ચારિત્રદશામાં સુખનો જ આકાર છે–સુખસ્વરૂપ જ છે. લોકો કહે છે કે ચારિત્ર દુઃખરૂપ છે, કષ્ટદાયક છે એમ ‘છાળા'માં કહ્યું છે. (“આતમહિમહેતુ વિરાગ જ્ઞાન, તે લખેં આપકો કષ્ટદાન'. પદ૬, બીજી ઢાળ) સંવર-નિર્જરાને જે કષ્ટદાયક માને છે તેને મિથ્યાત્વભાવ છે, તેને ચારિત્રના સ્વરૂપની ખબર નથી. કેમ કે ચારિત્ર તો આનંદદાયક છે. જુઓ, અહીં પણ કહ્યું ને? કે સુખાકાર.