________________
૫૦].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કે તેમાં ચેતનપણું–જ્ઞાન ને આનંદનો અંશ પણ–નથી, તેમાં ચૈતન્યના કિરણનો અંશ પણ નથી.
કહે છે કે જે પરદ્રવ્ય—અચેતનરૂપ રાગ–મારો હોય તો હું અજીવપણાને પામું. પણ હું પ્રભુ ભગવાન આત્મા તો જ્ઞાનાનંદની મૂર્તિ છું, એકલા જ્ઞાન ને આનંદનો પીંડલો છું. તેથી મારામાં મહાવ્રતરૂપ વિકલ્પનો કે જે ખરેખર તો અચેતન છે તેનો–અભાવ છે. અહા ! મહાવ્રતનો વિકલ્પ પણ અચેતન છે. કેમ કે તે રાગ છે અને રાગ તે અચેતન છે. રાગ પોતે પોતાને જાણતો નથી અને રાગ બીજા દ્વારા જણાય છે, માટે રાગ અચેતન છે. આવા રાગને જો હું મારો માનું તો અજીવ થઈ જાઉં એમ કહે છે.
અહા ! અચેતન એવો વિકલ્પ મારો નથી એવું ભાન તો સમ્યગ્દર્શન થયું ત્યારથી જ છે. પરંતુ અહીં તો એમ કહેવું છે કે ચારિત્રવંત કહે છે કે વિકલ્પ મારો નથી). કારણ કે આ ચારિત્રની વ્યાખ્યા છે ને ? તેમ જ સમયસારના નિર્જરા અધિકારની આ ગાથા છે ને ? તો, કહે છે કે હું તો જ્ઞાતા જ છું, વિકલ્પમાત્ર મારો પરિગ્રહ નથી. દયા, દાન, વ્રતનો રાગ પણ મારી વસ્તુ નથી. જો રાગ મારી વસ્તુ હોય તો હું અચેતન થઈ જાઉં. હવે જ્યાં રાગ પણ પોતાનો નથી ત્યાં શરીરાદિ પરદ્રવ્ય તો ક્યાંય દૂર રહી ગયા. આ શરીર માટી-ધૂળ છે અને અજીવપણે થઈને રહેલ પુદ્ગલ છે. તેથી તે મારા છે' એમ જો તું માનતા હો તો તું જડ છો એમ કહે છે. તેમ જ રાગના ભાવને પણ પોતાના માન્યા તો તું અજીવ છો, તેં તારા જીવપણાને માન્યું નથી.
અહીં કહે છે કે મુનિ એમ જાણે છે કે હું તો જ્ઞાતા જ છું. તેથી (પરદ્રવ્યરૂ૫) પરિગ્રહ મારો નથી.” જાણનાર-દેખનાર એવી મારી ચીજ છે. મારામાં રાગાદિ કોઈ ચીજ છે નહીં. લ્યો, આ રીતે આત્માને અંતરમાં અનુભવવો, તેમાં સ્થિરતા કરવી તેનું નામ મુક્તિનો માર્ગ છે, તે સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં.
શ્લોક - ૮૦ ઉપરનું પ્રવચન આ નિયમસારનો વ્યવહારચારિત્ર અધિકાર છે તેમાં ૬૦ મી ગાથાનો આ ૮૦ મો કલશ છે. પંચ મહાવ્રતમાંના પાંચમા વ્રતની વાત ચાલી ને? તો, તેનો આ કલશ છે.