________________
ગાથા – ૬૦]
૭િ
મીઠાશ એ જડની-અજ્ઞાનની મીઠાશ છે. શુભરાગનો પ્રેમ ખસવો – તેની મીઠાશ ખસવી - એ ભારે આકરી વાત છે!
અહીંયા એમ કહે છે કે પૂર્ણ ભગવાન આત્મા શુભાશુભભાવ-અજ્ઞાનભાવ રહિત જ્ઞાનસ્વભાવથી ભરેલું તત્ત્વ છે. પોતે આત્મવસ્તુ જ આવી છે. તો, તેનો આશ્રય લઈને જે પરિણતિ પ્રગટે તે મુક્તિનું કારણ છે.
ખરેખર તો શુભોપયોગી મુનિને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મદ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે.'
શું કહ્યું એ? કે શુદ્ધપરિણતિ શુદ્ધોપયોગનો હેતુ થાય છે. અર્થાત્ છઠે ગુણસ્થાને જે શુદ્ધપરિણતિ છે તે સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનો હેતુ થાય છે. વસ્તુ તો એ છે. (-ખરેખર તો આમ છે.) જો કે આ પણ હજુ અપેક્ષિત વાત છે. ખરેખર તો શુદ્ધોપયોગ પ્રગટે છે તેનું મૂળ કારણ દ્રવ્યનો વિશેષ-ઉગ્ર આશ્રય છે. એટલે કે છઠે ગુણસ્થાને દ્રવ્યનો જેટલો આશ્રય છે તેના કરતાં સાતમા ગુણસ્થાનમાં વિશેષ આશ્રય છે અને તે કારણે સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ પ્રગટે છે. પરંતુ વ્યવહારથી વર્ણન કરવું હોય તો છઠે ગુણસ્થાને ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધપરિણતિ છે તે સાતમાં ગુણસ્થાનના શુદ્ધોપયોગનું કારણ છે એમ કહેવાય છે. ભારે વાત ભાઈ!
અહીં કહે છે કે ખરેખર શુદ્ધપરિણતિ શુદ્ધોપયોગનો હેતુ છે. પરંતુ તે શુદ્ધપરિણતિનો આરોપ શુભભાવમાં દઈને શુભભાવને શુદ્ધોપયોગનો હેતુ કહેલ છે. (બીજી રીતે કહીએ તો) છઠે ગુણસ્થાને કષાય રહિત શુદ્ધપરિણતિ છે તે સાતમા ગુણસ્થાનનો હેતુ છે. પરંતુ તે શુદ્ધપરિણતિને હેતુ નહીં બતાવીને અને તે શુદ્ધપરિણતિનો આરોપ શુભરાગમાં આપીને શુભરાગ શુદ્ધોપયોગનો હેતુ છે એમ આરોપ દઈને કહ્યું છે. ખરેખર તો તે શુદ્ધપરિણતિને શુદ્ધોપયોગનો હેતુ કહેવો તે પણ ઉપચાર છે. કેમ કે તે પર્યાયનો વ્યય થઈને શુદ્ધોપયોગ પ્રગટે છે. ભારે વાત ભાઈ! અહા ! છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધપરિણતિનો વ્યય થઈને સાતમા ગુણસ્થાનનો શુદ્ધોપયોગ વિશેષ શુદ્ધિ-પ્રગટે છે. તેથી ‘શુદ્ધપરિણતિ શુદ્ધોપયોગનું કારણ છે' એમ કહેવું તે પણ ઉપચાર છે. ખરેખર તો શુદ્ધોપયોગનું કારણ ત્રિકાળી દ્રવ્ય છે. પરંતુ હવે જ્યારે શુદ્ધોપયોગનું કારણ કોણ–શુદ્ધપરિણતિ કે શુભ પરિણતિ? – એમ તે બે પરિણતિ વચ્ચેની વાત કરવી હોય ત્યારે આ રીતે કહેવાય કે શુદ્ધપરિણતિ જ શુદ્ધોપયોગનું કારણ છે.