________________
૪૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શું કહ્યું તે સમજાણું?
કે રાગથી ભિન્ન નિરપેક્ષ તત્ત્વ છે તેને પકડ્યું-અનુભવ્યું નથી તે કારણે રાગની પક્કડ હોય જ. તેથી અજ્ઞાની રાગમાં પકડાય ગયેલો (-એકત્વ) જ છે. તે આત્મામાં પકડાયો નથી એટલે રાગમાં પકડાયો છે જ. જ્યારે જ્ઞાની તો રાગની પક્કડથી છૂટી ગયો છે. અને તેને શુભરાગ આવે તેને વ્યવહાર કહેવામાં આવે છે. ભારે વાત ભાઈ! લ્યો, આવી વાતો છે.
અહા! આવી વાતો સાધારણ માણસને એવી લાગે છે કે જાણે આ તો કોઈ ઊંચા દરજજાની વાતો હશે! પણ ભાઈ! આ તો હજુ સમ્યગ્દર્શનની—ધર્મના પહેલાં દરજજાની
–વાત છે. અહીં કહે છે કે પાંચમા વ્રતની માફક બીજા બધા – પહેલાં, બીજા, ત્રીજા ને ચોથા – વ્રત માટે પણ સમજી લેવું કે જે શુદ્ધ પરિણતિ હોય તો અહિંસાવૃતાદિના વિકલ્પને વ્યવહાર વ્રત કહેવાય. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માને અવલંબીને જ્યાં શુદ્ધતાનો પ્રવાહ વહેતો હોય તે જ્ઞાનધારાની ભૂમિકામાં રાગધારા હોય તેને વ્યવહાર વ્રત કહેવાય. પરંતુ જ્યાં હજુ જ્ઞાનધારા જ પ્રગટી નથી ત્યાં વ્રત હોતાં નથી.
‘જ્ઞાનથી મોક્ષ થાય, પણ રાગથી નહીં – એમ સાંભળીને અજ્ઞાની કહે છે કે “નહીં, એમ નથી. એ ખોટી વાત છે. જ્ઞાન સાથે સમક્તિ અને ચારિત્ર પણ જોઈએ. ભગવાને એકલા જ્ઞાનથી મુક્તિ કહી નથી.” અરે સાંભળ ને? જ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન, શ્રદ્ધા એટલે જ્ઞાનની શ્રદ્ધા અને ચારિત્ર એટલે જ્ઞાનમાં રમણતા. - તે બધું (શ્રદ્ધા, રમણતા આદિ) જ્ઞાન જ કહેવાય, આ વાત ‘ખાણીયા તત્વચર્ચામાં’ બહ લીધી છે. અહા! ‘જ્ઞાનથી મોક્ષ થાય” તેનો અર્થ એ છે કે આત્મવસ્તુ જ્ઞાનસ્વભાવી છે, તેથી તેનું જ્ઞાન, તેની શ્રદ્ધા અને તેમાં સ્થિરતા – તે બધું પણ જ્ઞાનમય જ છે, પણ રાગમય નથી. આ, ‘જ્ઞાનથી મોક્ષ થાય’ કહીને સિદ્ધ કરવું છે. જુઓ, ‘સમયસારના પુણ્ય-પાપ અધિકારમાં આવે છે ને? કે જ્ઞાનથી મોક્ષ થાય છે. (જ્ઞાને હિ મોક્ષદેતુ: – ગા.૧૫૧). પણ ‘જ્ઞાનથી મોક્ષ થાય છે તેનો અર્થ શું છે? કે આત્મસન્મુખ થયેલા જ્ઞાન, શ્રદ્ધા અને સ્થિરતા એ ત્રણેય જ્ઞાન છે અને આ જ્ઞાનથી મોક્ષ થાય છે. પણ જ્ઞાન એટલે (બાહ્યનું) એકલું જાણપણું એમ તેનો અર્થ નથી. તેમ જ ‘જ્ઞાનથી મુક્તિ થાય છે એમ કહેતાં વ્યવહાર વ્રતાદિના રાગથી મુક્તિ થતી નથી, રાગ મુક્તિનું કારણ નથી એ સિદ્ધ થાય છે. અહા! જ્ઞાનસ્વરૂપીજ્ઞાનસ્વભાવી આત્મવસ્તુ છે તેમાં જ્ઞાનની સાથે શ્રદ્ધા અને આનંદાદિ ગુણ પણ પડ્યા જ છે. તેથી તેમાં એકાગ્ર થતાં જે શ્રદ્ધા અને આનંદ આદિ પ્રગટે છે તે બધા પણ જ્ઞાનમય જ છે, પરંતુ રાગમય નથી. અને આ જ્ઞાનથી મુક્તિ થાય છે એમ કહેવું છે.