________________
૩૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અશુભભાવ ટળીને શુભભાવ રહે તે ચોથું વ્રત છે. અર્થાત્ વીતરાગતાની ભૂમિકામાં ચોથું વ્રત હોય એમ બતાવવાનો ભાવ છે. પરંતુ તે વીતરાગતા તો તને છે નહીં, (માટે મારા વચનથી તને શો લાભ થશે એમ કહે છે).
અહા! પોતે ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. નિજ પરમતત્વ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. તેથી ‘અહાહા! આ તે શું છે? (આત્મા કેવો છે?)' એમ તેની કુતૂહલતા કરીને તેમાં લીન થવું જોઈએ, ઠરવું જોઈએ, રહેવું જોઈએ. પરંતુ તેને બદલે તેની કુતૂહલતા છોડી દઈને આ પરની સુંદરતાની કુતૂહલતામાં તું ક્યાં ગયો? – એમ કહે છે. અને જે પરની સુંદરતા—સ્ત્રીની, તેના શરીરની અને તેના શરીરના અંગોપાંગની સુંદરતા–દેખીને તને વાંછા કે કુતૂહલતા થાય છે તો તેનો અર્થ એ થયો કે, તે તારા ભગવાન આત્માને છોડી દીધો છે. જે તને પરની–સ્ત્રીના અવયવોની – સુંદરતાની કુતૂહલતા કે વાંકા છે તો તું ત્યાં ચાલ્યો ગયો છો અને તારો ભગવાન આત્મા કે જે અતીન્દ્રિય આનંદથી ભરેલો છે તેને પ્રભુ! તેં છોડી દીધો છે. ભારે વાત!
જેનો મનોહર મધુર અતીંદ્રિય આનંદરસ છે એવો ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. સત્રશાશ્વત અને ચિદાનંદ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ. છતાં અરે પ્રભુ! તેને તેં છોડી દીધો? અરે! તેની તો કુતૂહલતા થવી જોઈએ કે આ શું છે? આ શું છે? આ શું છે? (આત્મા કેવો છે?) અને જે તેનું ભાન થયું હોય તો તેમાં ઠરવાનો ભાવ હોય. પરંતુ તેના બદલે, તારા પ્રભુના ત્રિકાળી આનંદસ્વભાવનો સ્વીકાર નહીં કરતાં તેનો અનાદર કરીને, આ (પરની) કુતૂહલતામાં તારી વૃત્તિ રોકાઈ ગઈ છે તેથી તે અનર્થ કર્યો છે. અરે! નાની વાતમાં (કુતૂહલતામાં) પણ તારા પ્રયોજનને ભૂલી ગયો છો એમ કહે છે.
અહા! પોતાના આનંદસ્વભાવનો જે તને દષ્ટિમાં આદર હોય એટલે કે તારું તત્ત્વ જ જે તારી દષ્ટિમાં હોય, તારો સ્વભાવ જ જે આશ્રય ને અવલંબનમાં હોય તો તને પરની કુતૂહલતા થવાનો પ્રસંગ જ રહેતો નથી. પણ જે પરની સુંદરતાના મોહમાંકુતૂહલતામાં તું રોકાણો તો તારી સુંદરતા (દષ્ટિમાંથી) છૂટી ગઈ, તારો સુંદર આનંદસ્વભાવ (શ્રદ્ધામાંથી) છૂટી ગયો. મતલબ કે આનંદમૂર્તિ એવો આત્મા કે જે સ્વયં પ્રભુ છે તેને તેમ જ તેની સુંદરતાને તે છોડી દીધા છે અને આ (પરની) સુંદરતાને તું વળગ્યો છો. તેથી તને ચોથું વ્રત કેમ હોય? – એમ કહે છે. જુઓ ને વૈરાગ્યની મસ્તી ચડાવે એવી વાત છે ને?