________________
૨૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કેમ કે તે સંયોગ આપે છે. શુભભાવ ગમે તે સંયોગ આપે, પણ આપે તો સંયોગ જ. જોકે અહીંયા સ્ત્રીનો સંયોગ કહ્યો છે, પરંતુ વીતરાગની વાણી આદિનો સંયોગ આપે તોપણ તે દુ:ખફળ છે. કેમ? કેમ કે તે સંયોગ ઉપર લક્ષ જશે તો રાગ જ થશે. અરે! શુભરાગ થાય તો પણ તે દુઃખ છે. આવી વીતરાગી વાણી છે!
અહા! આ શુભભાવના ફળમાં દુઃખ છે. તેનાથી વર્તમાનમાં પણ દુઃખ છે અને પછી પણ દુઃખ થશે. પરંતુ અહીં તો શુભભાવનું ફળ સંયોગ મળે તે છે એમ ફક્ત બતાવવું છે. એટલે તે અપેક્ષાએ વાત કરી છે. બાકી તો શુભભાવથી દેવાંગનાઓનો સંયોગ મળશે તેના ઉપર લક્ષ જશે તો અશુભ રાગ થશે કે જે દુ:ખ છે. અરે! શુભભાવના ફળમાં પુણ્યોદયરૂપે ભગવાનની વાણી મળે, સમવસરણ મળે અને ભગવાન મળે એમ વાત લ્યો તો પણ તેના ઉપર લક્ષ જશે તો શુભરાગ થશે અને તે શુભરાગ દુઃખ છે. બરાબર છે? કે શુભરાગ દુ:ખરૂપ છે અને દુ:ખફળ છે? (હા.) અરે! આવો વીતરાગભાવ સાંભળવા મળે અને પછી તેની રુચિ થાય તે અલૌકિક વાત છે. બાપા! આ કાંઈ વાત કે વાર્તા નથી.
“અને આ લોકમાં સર્વદા સર્વ પુરુષોનો પૂજ્ય બને છે.”
સર્વદા = બધા કાળમાં અને સર્વ બધા. આ લોકમાં પણ બધા ધર્માત્મા-જ્ઞાની પુરુષો તેનો આદર કરે છે, તેને બહુમાન આપે છે અર્થાત્ સપુરુષોનો તે પૂજ્ય બને
“ખરેખર સત્યથી શું બીજું કોઈ (ચડિયાતું) વ્રત છે ?”
અહીંયા વીતરાગભાવની વાત નથી કે સત્યવ્રત તેનાથી ચડિયાતું છે. પણ (અન્ય વ્યવહાર) વ્રતની અપેક્ષાએ વાત છે કે અહિંસા, સત્ય, અચૌર્ય વગેરે વ્રતમાં સત્યવ્રતથી ચડિયાતું બીજું કયું છે? આગળ ૭૮ મા કલશમાં લેશે કે ‘વ્રત ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. પરંતુ એ તો વ્યવહારથી એવા જ કથન આવે ને? આવી વાત આવે ત્યાં અજ્ઞાની કહે કે હાશ! - એમ તેને થઈ જાય.
અહીં કહે છે કે જ્યાં વીતરાગ પરિણામ વર્તતા હોય – શુદ્ધપરિણતિ વર્તતી હોય - તે ભૂમિકામાં જે વ્રતના પરિણામ-ભાવ હોય તેને વ્યવહાર વ્રત કહેવામાં આવે છે.