________________
૨૭૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સ્વ-પરપ્રકાશક જ્ઞાનનું અંદર બળ છે. તેથી એ બળ દ્વારા અમારા આચાર્ય મહારાજ આવા હતા – એમનું પરિણમન આવું ચૈતન્યમય હતું એ અમે જાણી લીધું છે. અને એમનું આવું ચૈતન્યમય પરિણમન છે તેને હું વંદન કરું છું. જ્યારે પંચ મહાવ્રતાદિ વિકલ્પ-રાગ છે, કાંઈ મુનિપણું નથી, ચારિત્ર નથી. તેથી એ કાંઈ વંદન કરવાલાયક નથી-વંદનીય નથી. ભારે વાત! અહા! ભગવાન આત્મા શુદ્ધ ને આનંદમય પરિણમનરૂપે -અવસ્થારૂપે ઉગ્રપણે પરિણમે એ ચારિત્ર છે અને એ ચારિત્ર વંદનને લાયક છે - વંદનીય છે. તે સિવાય બાહ્યમાં નગ્નપણું હોય એ કાંઈ વંદનીક નથી. હા, નિમિત્તપણે એવી ચીજ (નગ્નપણું) હો, પણ એ જડની દશા હોવાથી વંદનીક નથી.
અહીં કહ્યું કે, જેઓ અંતરમાં ઉતરેલા છે અર્થાત્ ઊંડે-ઊંડે અંતરમાં જઈને જેમણે ચૈતન્યના પત્તા મેળવ્યા છે તેમની વીતરાગી પરિણતિ-દશા અનાકુળ છે એટલે કે તેમાં બીલકુલ આકુળતા છે નહિ. એ તો આનંદ...આનંદ...આનંદ..આનંદમય છે.
સ્વહિતમાં લીન’ છે. અમારા ગુરુ-આચાર્યની પરિણતિ પોતાના હિતમાં લીન છે. દેખો! પરનું હિત કેમ થાય (એવા વિકલ્પમાં) એ પરિણતિ લીન નથી, પરંતુ સ્વહિતમાં લીન છે. આત્માનું શુદ્ધઆનંદસ્વરૂપ એ સ્વહિત છે અને તેમાં એ પરિણતિ લીન છે. ભારે વાત!
‘શુદ્ધ' છે. અમારા ગુરુનું પરિણમન–વીતરાગી દશા–ઈદ્રિયોના આલંબન વિનાની છે, અનાકુળ છે, સ્વહિતમાં લીનતાવાળી છે અને શુદ્ધ છે. પુણ્ય-પાપ કે શુભઅશુભભાવ તો અશુદ્ધ છે, જ્યારે આ પરિણતિ શુદ્ધ છે.
‘નિર્વાણના કારણનું કારણ (મુક્તિના કારણભૂત શુકલધ્યાનનું કારણ)” છે. અમારી મુક્તિનું કારણ તો અમારું પોતાનું શુકલધ્યાન છે. પણ એ શુકલધ્યાનનું નિમિત્ત અમારા ગુરુનું આ ચૈતન્ય પરિણમન છે. અહા! અમારા ગુરુ આચાર્યભગવાનનું–કે જેઓ વીતરાગી છે તેઓનું–વીતરાગી પરિણમન અમારી મુક્તિના કારણભૂત શુકલધ્યાનનું કારણ છે. જુઓ, આમ કહીને જે વીતરાગી હોય તે જ અમારા આચાર્ય-ગુરુ છે એમ કહે છે. તે સિવાયના એકલા રાગથી અને પુણ્યથી ધર્મ માને છે એ તો મિથ્યાદષ્ટિ છે. એ ધર્મી પણ નથી, સાધુ પણ નથી અને આચાર્ય પણ નથી. લ્યો, આ પંચમ આરાના મુનિ કહે છે કે અમારા ગુરુ વીતરાગી છે અને તેમની પરિણતિ નિર્વાણના કારણનું કારણ છે.