________________
૨૭૬].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
મુનિ, આચાર્ય વિષે અથવા આચાર્ય, આચાર્ય વિષે કહે છે કે આવા સંતોને ભવદુઃખરાશિને ભેદવા માટે અમે પૂજીએ છીએ. આ ભવના દુઃખો....... એટલે આખા સંસારની (-ચારેય ગતિની) જળ હો. તો, સ્વર્ગ અને નરકાદિના ભવની દુઃખજાળ છે તેને છેદવા માટે અમે આચાર્યોને વંદન કરીએ છીએ એમ અહીં કહે છે. ‘ભવદુઃખરાશિને ભેદવા” એમ કહેતાં માત્ર કાંઈ નરકના અને તિર્યંચના ભવદુઃખરાશિને ભેદવા” એમ અર્થ નથી, પરંતુ આખા બધાય—ચારેય ગતિના—ભવદુ:ખની રાશિને છેદવા માટે અમે પૂજીએ છીએ.
અહા! ભવદુઃખરાશિ એટલે ભવના દુ:ખનો ઢગલો. ચોરાશી લાખ યોનિના બધા અવતારમાં ભાઈ! દુઃખ છે. દેવો પણ દુઃખી છે, રાજા પણ દુઃખી છે અને આ શેઠીયા પણ દુઃખી છે. બધાય રાગના ભિખારીઓ–વિકારના અભિલાષીઓ–દુ:ખી છે. સુખી તો એક વીતરાગી મુનિ છે. ‘એગંત હોઈ સુખી મુનિ વીતરાગી' એમ આવે છે ને? પણ તે વીતરાગી મુનિ હોં.
પ્રશ્ન:- આમાં એવું લખ્યું છે?
સમાધાન:- (હા), અહીં પણ એ જ વાત આવે છે ને? જુઓ ને ! આ શું કહ્યું? કે આચાર્ય અકિંચનતાના સ્વામી છે. અંતરમાં પણ અકિંચનતા અને બહારમાં પણ અકિંચનતા. - બન્ને પ્રકારે અકિંચનતા છે. અહો! તેમનો ધન્ય અવતાર છે ને? તેમણે અવતાર સફળ કર્યો છે! અહા! જેમણે અંતરમાં ચારિત્રસ્વરૂપે પ્રગટ કર્યું છે અર્થાત્ જેમને અંતરમાં ચારિત્ર પરિણમી ગયું છે અને બાહ્યમાં નગ્ન દશા થઈ છે તથા જેમને આખી દુનિયાની દરકાર નથી તેમણે અવતાર સફળ કર્યો છે. આવા આત્માને, ભક્તો કહે છે કે, અમે પૂજીએ છીએ.
લ્યો, આચાર્ય (શ્રી વાદિરાજદેવ) પણ આચાર્યના ભક્ત છે તથા મુનિ (શ્રી પદ્મપ્રભમલધારિદેવ) પણ આચાર્યના ભક્ત છે. તેઓ કહે છે કે ભવદુઃખરાશિને ભેદવા માટે અમે આચાર્યને પૂજીએ છીએ. અહા! ભાષા તો એમ જ આવે ને? જુઓ ને ! ‘વંદે તગુણલબ્ધયે' માં પણ એમ આવે છે ને? કે આપના ગુણની પ્રાપ્તિ માટે હું વંદન કરું છું. એનો અર્થ એ છે કે અંદરમાં અમારો ભાવ ગુણની પ્રાપ્તિનો છે. ભલે તે વખતે અંદર વિકલ્પ છે, પણ તેને પ્રાપ્ત કરવો નથી.
આ રીતે (શ્રી વાદિરાજ) આચાર્યે પોતે પોતાની વાત કરી અને આવા આચાયો હોય તેને હું વંદન કરું છું એમ પણ કહ્યું.