________________
૨૦૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ઉપાધિ નામ સંયોગ. -આ ત્રણેયથી રહિત આત્મામાં શાંત...શાંત...શાંત દશા પ્રગટે તેને સમાધિ કહે છે. સમાધિ પ્રગટતાં તો આત્મામાં શાંતિનો દરિયો ઉછળે એમ કહે છે. તેથી તો જુઓ ને! વિકસિત અચંચળ યોગ થયો એમ કહે છે ને?
અહા! વિપુલ એટલે વિકસિત સ્થિર સમાધિમાં આચાર્યની બુદ્ધિ નિપુણ છે મતલબ કે એવી સમાધિમાં આચાર્ય ડાહ્યા છે, નિપુણ છે. અને તેઓ પરમ આનંદમય શાંતિમાં ઝૂલે છે.
‘અને જેમને ગુણો ઊછળે છે.' લ્યો, આચાર્યને આત્માના અનંત ગુણ છે તે ઊછળે છે – પર્યાયમાં પરિણમે છે. દરિયામાં જેમ અંદરથી પાણી ઊછળીને ભરતી આવે છે તેમ આચાર્યને અંતરમાં અનંત ગુણરૂપી દરિયો ભર્યો છે તે ઊછળે છે. અંતર અનુભવના–દૃષ્ટિના–જોરે અનંત અનંત આનંદાદિ ગુણની દશાઓ ઊછળે છે – ઊછાળા મારે છે. ભારે વાત ભાઈ!
અહા! કહે છે કે આચાર્યને ગુણરૂપી દરિયો ઊછળ્યો છે. એક-એક (દરેક) ભગવાન આત્મામાં અનંતાનંત ગુણ છે અને એ અનંતાનંત ગુણો આચાર્યને ઊછળે છે. આચાર્યની પર્યાયમાં અનંત ગુણોની ભરતી આવે છે. આ શું હશે? એમ અજ્ઞાનીને થાય. પણ ભાઈ! તને અનાદિથી (વસ્તુસ્વરૂપની) ખબર નથી.
આ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અનંત જ્ઞાન, આનંદ અને શાંતિથી ભરેલું તત્ત્વ છે. આવા તત્ત્વનો જ્યાં અનુભવ કર્યો અને એમાં એકાગ્ર થયો તો, કહે છે કે, અનંત શક્તિઓ-ગુણો છે તે પર્યાયમાં ઊછળે છે. લ્યો, આવી વાતો છે! અહા! એક જ્ઞાનમાત્ર ભાવમાં બીજી અનંત શક્તિઓ ઊછળે છે એમ ૪૭ શક્તિની વાતમાં આવે છે ને? શુદ્ધ ચૈતન્યદ્રવ્યનો આશ્રય લેતાં જ્ઞાનનું સમ્યક્ પરિણમન થયું ત્યાં અર્થાત્ સમ્યજ્ઞાનનું પરિણમન થતાં અનંત ગુણોની પર્યાય જ્ઞાનની પર્યાયમાં (-પર્યાય સાથે) ઊછળે છે એટલે કે આવે છે, પણ ધર્મીને પુણ્ય-પાપના રાગ આવતા નથી - ઊછળતા નથી.
અહા! આચાર્યને ગુણો ઊછળે છે, જ્યારે અજ્ઞાનીને વિકાર ઊછળે છે. તેને પુણ્ય-પાપના ભાવ ઊછાળા મારે છે અને તેમાં આંધળો થઈને પડે છે.
પ્રશ્ન:- ‘પડે છે' એટલે શું?
સમાધાન:- એટલે કે અજ્ઞાની રાગાદિમાં જોડાય છે - એકાકાર થાય છે, જ્યારે જ્ઞાની અંદર આનંદમાં એકાકાર થાય છે.