________________
ગાથા – ૭૩]
[૨૦૧
નથી. અને તેને પાંચ ઇંદ્રિયોરૂપી મદાંધ હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ છે એમ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો રાગ વિનાના નિર્વિકલ્પ આનંદની દશામાં રમતાં-રમતાં—અતંદ્રિય આનંદની પરિણતિમાં ઝૂલતાં-ઝૂલતાં આચાર્યે પાંચેય ઇંદ્રિયના મદનો નાશ કર્યો છે. બહુ ઝીણું!
અહા! આત્માને આ શરીર સાથે સંબંધ નથી, કેમ કે આ તો જડ-માટી છે. પણ અંદર ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ આનંદસ્વરૂપ છે એનું જેને પરિણમન થયું છે એટલે કે જેને અતીદ્રિય આનંદની અવસ્થા ઉગ્રપણે પરિણમી છે એ આચાર્યે એ પરિણમનથી પાંચ ઇંદ્રિયોના વિષયને જીત્યા છે એમ કહે છે.
‘(૩-૪) સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર.’ ‘સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ઘીર' -એ ત્રીજો બોલ છે. આચાર્યના આત્મામાં એટલી શાંતિ, અવિકારી દશા અને નિર્દોષ પવિત્રતા પ્રગટી છે કે તેઓ ઘોર ઉપસર્ગ ઉપર પણ વિજય પ્રાપ્ત કરે છે.
અરે! પ્રતિકૂળતાના અનંત ગંજ આવે તોપણ તેના પ્રત્યે ‘આ ઠીક નથી’ – એવો વિકલ્પ તેમને થતો નથી અને તેઓ આનંદમાં રમતા હોય છે. લ્યો, આચાર્ય આને કહીએ. ‘નમો આયરિયાણં” એમ (નમસ્કાર મંત્રમાં) આવે છે ને? જો કે ખરેખર તો, ‘નમો તોડ્ સવ્વ આરિયાળ’છે. તો, અઢી દ્વીપમાં જૈનદર્શનના આચાર્યો આવા હોય છે તેમને નમસ્કાર.
હવે ચોથો બોલ: આચાર્ય ગુણગંભીર છે. તેમના ગુણની દશા એટલી ગંભીર છે કે સાધારણ જીવ એનો પત્તો ન ખાઈ શકે. એવી આચાર્યની દશા છે. અતીદ્રિય આનંદપૂર્વક નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા, શાંતિ વગેરે એવી દશાઓ પ્રગટી છે તેના કારણે તેઓ ગુણગંભીર છે. જુઓ, જૈનદર્શનના આચાર્યોનું આવું સ્વરૂપ છે.
‘આવાં લક્ષણોથી લક્ષિત, તે ભગવંત આચાર્યો હોય છે.’ લ્યો, ટીકામાં આચાર્ય માટે ‘ભગવંત’ શબ્દ વાપર્યો છે. પહેલાં (ટીકાની શરૂઆતમાં) ‘ભગવંત’ શબ્દ કૌંસમાં નાખ્યો હતો. પણ આ તો ટીકાના પાઠમાં જ ‘ભગવંત’ શબ્દ આવ્યો છે કે ‘તે ભગવંત આચાર્યો હોય છે.’