________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સિદ્ધભગવાન નિરુપમ વિશદ જ્ઞાન-દર્શનથી સહિત છે, પણ પરથી સહિત છે એમ છે નહિ. વળી જોયું? નિરુપમ ઉપરાંત નિર્મળ કહ્યું છે. અર્થાત્ જેને ઉપમા ન મળે એવા નિર્મળ જ્ઞાન-દર્શનની શક્તિથી સિદ્ધભગવાન સહિત છે.
૨૬૪]
આ પર્યાયની વાત છે હોં. સામાન્ય રીતે જ્ઞાન-દર્શનરૂપ ત્રિકાળી શક્તિ એ ગુણ છે. પણ અહીં જ્ઞાન-દર્શનશક્તિ કહી છે એ પર્યાયની વાત છે.
‘જેમણે આઠ કર્મની પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે.’ પ્રશ્ન :- શું ભગવાન કર્મનો નાશ કરે?
સમાધાન :- ભાઈ! (વ્યવહારથી) ભાષા શું આવે? તેમણે આઠ કર્મની પ્રકૃતિના સમુદાયને એટલે કે કર્મના સ્વભાવના સમુદાયને નષ્ટ કર્યો છે એમ કહે છે એનો અર્થ એ છે કે સિદ્ધભગવાને પોતાનો સ્વભાવ પૂર્ણ પ્રગટ કર્યો છે.
‘જેઓ નિત્યશુદ્ધ છે.’ લ્યો, અહીંયા પણ ફરીને આવ્યું કે સિદ્ધભગવાન નિત્યશુદ્ધ છે. (શ્લોક ૧૦૧ અને ગાથા ૭ર માં પણ ‘નિત્ય’ શબ્દ છે.) સિદ્ધભગવાનને નિર્મળદશા પ્રગટ થઈ છે તે કાયમ એવી ને એવી રહે છે, તેથી નિત્યશુદ્ધ છે એમ કહેવામાં આવે છે.
‘વ્યય વિનાનો ઉત્પાદ અને ઉત્પાદ વિનાનો વ્યય’ – એમ શ્રી પ્રવચનસારમાં (ગાથા ૧૭ માં) આવે છે ને ભાઈ? અહા! સિદ્ધપર્યાય પ્રગટી છે તે કેવી છે? કે તે ‘વ્યય વિનાનો ઉત્પાદ’ છે. એ સિદ્ઘપર્યાય પ્રગટી તે નિત્ય છે. કેમ કે એ ઉત્પાદ વ્યય વિનાનો છે. હવે એ પર્યાયનો વ્યય-નાશ થાય એમ છે નહિ. તથા ઉત્પાદ વિનાનો વ્યય' છે. સંસારનો નાશ-વ્યય થયો તે ‘ઉત્પાદ વિનાનો વ્યય' છે. તેથી હવે સંસારનો ઉત્પાદ કેવી રીતે થાય? હવે કોઈ દિવસ સંસાર ઉત્પન્ન નહિ થાય, સંસારનો ઉત્પાદ થવાનો નથી. અહા ! આવું હોય તો જ સિદ્ધપણું કાયમ રહે ને? નિત્ય રહે ને? અહા! આવા સિદ્ધભગવાન છે અને તું પણ સિદ્ધભગવાનની નાતનો છો હોં એમ કહે છે.
અરે! આવું સ્વરૂપ બીજે ક્યાં છે? બીજે તો બધા ગપ્પા મારે છે. કોઈ તો,‘મહાવીરની વાણી ને અન્યની વાણી' એમ સમન્વય કરવા જાય છે ને? પણ ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જૈનદર્શન કોઈ સંપ્રદાય નથી, પણ વિશ્વદર્શન છે. જેવું વિશ્વનું અર્થાત્ આત્મા અને જડનું સ્વરૂપ છે એવું તેમાં કહ્યું છે. અહીં કહ્યું કે, સિદ્ધભગવાનને પર્યાય પ્રગટ થઈ તે નિત્યશુદ્ધ છે.