________________
૨૬૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કરો. એ ભાવ પુણ્યબંધનું કારણ છે. કેમ કે તે શુભભાવ છે, પણ શુદ્ધભાવ નથી. અહા! પ્રભુના નિર્વાણમહોત્સવની ઉજવણી (ખરેખર) કોણ કરી શકે? કે જે અંતરમાં આત્મ-અનુભવ કરીને તેની ઉગ્રતા પ્રગટ કરે તે પ્રભુના નિર્વાણમહોત્સવની ઉજવણી કરે છે અને તે સાચી ઉજવણી છે. તે સિવાય મહાવીરપ્રભુ કે અનંત તીર્થકરો કે કેવળીઓના મહોત્સવની પામર પ્રાણી શું ઉજવણી કરે?
અહા ! આત્મા અનંત ગુણસ્વરૂપ છે. સિદ્ધને તે બધા ગુણોનું પ્રગટ પર્યાયરૂપ પરિણમન પૂર્ણ થઈ ગયું છે અને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણવામાં આવે છે. આ બધી પૂર્ણ દશાઓ એવી ને એવી સદાય રહે છે, તેથી વ્યવહારે તેમને નિત્ય કહેવામાં આવે છે. શ્રી ‘પંચાસ્તિકાયસંગ્રહ'માં પણ સિદ્ધભગવાનની પર્યાયને કૂટસ્થ કહી છે. સિદ્ધભગવાનની પર્યાય એવી ને એવી રહે છે એ અપેક્ષાએ તેને ફૂટસ્થ કહી છે. ત્યાં કૂટસ્થનો આવો અર્થ છે. નહીંતર તો, સિદ્ધનું જ્ઞાન–કેવળજ્ઞાન–પણ સમયેસમયે બદલાય છે. કારણ કે કેવળજ્ઞાન પણ પર્યાય છે, કાંઈ ગુણ નથી. ગુણ તો ત્રિકાળ રહે છે.
અહીંયા કહ્યું કે એ સિદ્ધની પર્યાય એવી ને એવી કાયમ રહે છે, માટે વ્યવહાર તેને નિત્ય કહેવામાં આવે છે. અહા! ત્રિકાળી ધ્રુવ તો નિત્ય છે જ, પરંતુ સિદ્ધપર્યાય પણ એવી ને એવી સદાય રહે છે તે અપેક્ષાએ નિત્ય કહેવામાં આવે છે. શ્રી સમયસારજી'ની પહેલી ગાથામાં ધ્રુવ' શબ્દ આવે છે ને? કે ‘વંદિત્ત સર્વાસિદ્ધ ધુવમવર્તમોત્તમ પત્તે ' - સિદ્ધ ભગવાન ધ્રુવ છે. તો, એ પર્યાયની વાત છે કે સિદ્ધપર્યાય ધ્રુવ છે. જો કે સિદ્ધપર્યાય તો સમયે-સમયે નાશ પામે છે, છતાં પણ તે એવી ને એવી રહે છે તેથી ધ્રુવ છે એમ કહેવામાં આવે છે. અહા! એણે અનંતકાળમાં કોઈ દિ' આ આત્મા શું વસ્તુ છે? તેની શક્તિ શું છે? તેની દશા શું છે? – તે જાણવાની અને તેની સંભાળ કરવાની દરકાર કરી નથી. એ તો આ દુનિયાના આળ-પંપાળ, જંજાળ, વ્યવહાર, ધંધા કે શુભરાગની ક્રિયામાં રોકાઈ ગયો છે.
અહીં કહે છે કે રાગથી ભિન્ન આત્મા અનંત સામર્થ્યવાળું તત્ત્વ છે. તેની એક સમયની સિદ્ધપર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય છે અને તે પર્યાય એવી ને એવી નિત્ય રહ્યા કરે છે.