________________
ગાથા – ૫૬]
[૧૩
નિવૃત્તિનો અર્થ આ છે કે રાગરૂપી આરંભ અને પરિગ્રહથી નિવર્તવું. આ જ (ખરો) આરંભ-પરિગ્રહનો ત્યાગ છે. આ સિવાય કોઈ બહારથી પ્રવૃત્તિ છોડે તો તેણે આરંભ છોડ્યો છે જ ક્યાં? કેમ કે આરંભદશા ને અનારંભદશા કોને કહેવી તેનું તો તેને ભાન નથી તેમ જ અનારંભદશા પ્રગટ્યા વિના આરંભનો ત્યાગ ક્યાંથી આવે ? જેમાં રાગ નથી—વિકલ્પનો અભાવ છે —એવો જે પૂર્ણ પરમાત્મસ્વભાવ છે તેનો અર્થાત્ અનારંભી ને અપરિગ્રહી જે આત્મચીજ છે તેનો આશ્રય લેતાં પર્યાયમાં અનારંભપણું ને અપરિગ્રહપણું પ્રગટે તેને આરંભ-પરિગ્રહનો ત્યાગ કહે છે. હવે કહે છે કે સમકિતીને ચોથા ગુણસ્થાને અને શ્રાવકને પાંચમા ગુણસ્થાને આવો ત્યાગ દષ્ટિમાં ને જ્ઞાનમાં હોવા છતાં પર્યાયમાં જેટલો રાગ બાકી રહ્યો છે તેટલો આરંભ છે અને જ્યાં રાગ (-આરંભ) છે ત્યાં પૂર્ણ અહિંસા હોતી નથી.
માટે તેની સિદ્ધિને અર્થે, (હે નમિનાથ પ્રભુ!) પરમ કરુણાવંત એવા આપશ્રીએ બન્ને ગ્રંથને છોડ્યા (-દ્રવ્ય તેમ જ ભાવ બન્ને પ્રકારના પરિગ્રહને તજી નિગ્રંથપણું અંગીકૃત કર્યું), વિકૃત વેશ તથા પરિગ્રહમાં રત ન થયા.’
હે ભગવાન! નમિનાથ પ્રભુ! આપ પરમ કરુણાવંત-અહિંસાવાન છો. કેમ કે આપે અહિંસાની સિદ્ધિને માટે રાગને છોડ્યો છે. જુઓ, ભગવાનની અહિંસા આ છે કે તેમણે ગૃહસ્થાશ્રમનો રાગ છોડ્યો અને તેને અહીંયા ભગવાનની પરમ કરુણા કહેવામાં આવે છે. જો કોઈ રાગને ન છોડે તો તેનું નામ આત્મા પ્રત્યે હજુ એટલી અકરુણા છે. પરંતુ ભગવાને તો વસ્ત્ર, પાત્ર તેમ જ તેનો રાગ પણ છોડ્યો હતો અને એવું અપરિગ્રહપણું ને અનારંભપણું અંગીકાર કર્યું હતું. આમ બન્ને ગ્રંથને છોડ્યા તે તેમની પરમ કરુણા છે. નિમિત્તરૂપ દ્રવ્યગ્રંથ એટલે વસ્ત્ર, પાત્ર આદિ અને ભાવગ્રંથ એટલે રાગાદિ. તે બન્ને છોડવા એ પરમ કરુણા છે. આમાં કોના ઉપર કરુણા કરી? પોતાના ઉપર. જુઓ તો ખરા ! આ પોતાની પૂર્ણ કરુણા !
‘કરુણા હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;
પલમે પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુ ચર્ન સુપ્રેમ બસે'... (શ્રીમદ્ રાજચંદ્ર)
પહેલાં પણ પોતાની ઉપર કરુણા તો હતી જ એટલે કે દૃષ્ટિ ને જ્ઞાન તો સમ્યક્ થયા હતા જ, પરંતુ હવે પોતાની ઉપર પરમ કરુણા થઈ એટલે કે ગૃહસ્થાશ્રમનો રાગ હતો તેને પણ છોડી દીધો. લ્યો, આનું નામ મુનિપણું છે એમ કહે છે. અજ્ઞાની વસ્ત્ર સહિત નિગ્રંથ મુનિપણું માને છે, પણ ભગવાન! વસ્તુના સ્વરૂપમાં આ (ઊંધી માન્યતા)
ન ચાલે.