________________
૨૧૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
નિવૃત્ત થયા છે, તેથી શરીરની ક્રિયાથી નિવૃત્ત થયા છે એમ કહેવામાં આવે છે. તેઓ શરીરની ક્રિયાથી નિવૃત્ત થયા તો ગયા ક્યાં? કે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની અંદર નિર્મળ વીતરાગી પરિણતિથી પ્રવેશ કર્યો. અહા! આવો મારગ છે પ્રભુનો ભાઈ! અરે! દુનિયા કંઈકનું કંઈક માને છે અને મારગ ક્યાંય (દૂર) રહી ગયો છે.
અહા! ત્રિલોકનાથ પરમાત્મા ઈંદ્રો ને નરેન્દ્રોની સમક્ષમાં આ રીતે શરીરગુપ્તિનું વર્ણન કરતા હતા કે ભાઈ! આ શરીર છે એ તો માટી-જડ છે. તેથી તેની પ્રવૃત્તિરૂપ ક્રિયા જડથી જડમાં થાય છે. પણ તે વખતે જીવને વિકલ્પ થાય કે ‘હું શરીરનું આમ કરું ને આમ કરું’. તો, આવો પુણ્ય-પાપનો વિકલ્પ છે એ પણ ખરેખર તો કાયા છેપરકાયા છે. અર્થાત્ આસવતત્ત્વ એ પરકાયા છે એટલે કે પરનો સમૂહ છે, પણ ચૈતન્યરૂપ સ્વશરીર નથી. અહા! ચૈતન્યરૂપ સ્વશરીર તો જ્ઞાન અને આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. આવા ચૈતન્યરૂપ સ્વશરીરમાં ચૈતન્યરૂપ સ્વશરીર વડે મતલબ કે ‘સ્વશરીરમાં’ કહેતાં જ્ઞાનમૂર્તિ ચૈતન્ય આત્મદ્રવ્યમાં અને ‘સ્વશરીર વડે' કહેતાં જ્ઞાનમય વીતરાગી શુદ્ધ પરિણતિ દ્વારા પ્રવેશ કરવો એનું નામ કાયોત્સર્ગ કહેવામાં આવે છે. લ્યો, કોઈ દિ' આવું સાંભળ્યું પણ નહિ હોય અને માત્ર પાઠ બોલીને ‘આ કરી નાખ્યા સામાયિક ને કાયોત્સર્ગ’ એમ માન્યું હશે. ‘પારસનાથ પરચો પૂરે અને શાંતિનાથ સાતા કરે' એમ અમારા પિતાજી સવારના બોલતા. અહીં કહે છે કે પારસનાથ તો તું છો. આનંદનું ધામ સચ્ચિદાનંદ પ્રભુ એવો આત્મા પારસનાથ છે અને તેમાં નિર્મળ પરિણતિ દ્વારા પ્રવેશ કરવો એટલે કે તેમાં અભેદ થવું તે કાયોત્સર્ગ છે. અહા! આ શું કહે છે તે હજુ પકડાવું પણ અજ્ઞાનીને કઠણ છે.
લ્યો, આનું નામ કાયોત્સર્ગ અને શરીરગુપ્તિ છે કે આ (જડ) શરીર તરફના લક્ષને છોડીને અંદરમાં ચૈતન્યસ્વરૂપ આનંદનું ધામ ભગવાન આત્મા છે તેમાં નિર્મળ વીતરાગ પર્યાય દ્વારા પ્રવેશ કરવો. અરે! અજ્ઞાનીએ કાયોત્સર્ગ તો કોઈ દિવસ કર્યો નથી, પણ કાયોત્સર્ગ કેમ થાય તેની ખબર પણ નથી. એ તો ભગવાન સામે ઉભો રહીને પાઠ બોલે એટલે માની લે કે કાયોત્સર્ગ થઈ ગયો. પણ ભાઈ! એ બધું તો શુભરાગ છે, શુભ વિકલ્પ છે, પુણ્યભાવ છે. એ કાંઈ ધર્મ નથી તેમ જ કાયોત્સર્ગ પણ નથી. અહા! કાયોત્સર્ગ તો એને કહે છે કે કાયાસંબંધી વૃત્તિઓને છોડી દેવી - તેમનો ઉત્સર્ગ કરવો. ઉત્સર્ગ કરવો એટલે કે છોડવું. હવે કહે છે કે એ વૃત્તિઓને છોડી ત્યારે ગયા ક્યાં?