________________
૧૯૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ગાથા ૬૭ ઉપરનું પ્રવચન
‘અહીં વચનગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.’ આ વ્યવહાર વચનગુપ્તિની વાત છે હોં, શુભરાગની વાત છે. નિશ્ચયગુપ્તિની વાત પછી આગળ આવશે.
‘જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચનરચના (-સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે.’ જેને કામની વાસના અતિ વૃદ્ધિ પામી છે તેવા કામી જનો વડે કહેવામાં અને સાંભળવામાં આવતી સ્ત્રીઓના સંબંધવાળી તથા વિયોગવાળી કથા તે સ્ત્રીકથા છે. તે સ્ત્રીકથાનો મુનિને ત્યાગ હોય છે અને તેને વ્યવહાર વચનગુપ્તિ કહે છે. ગૃહસ્થને સ્ત્રીકથાનો એકદેશ ત્યાગ હોય છે, જ્યારે મુનિને સર્વદેશ (-સર્વથા) ત્યાગ હોય છે. કેમ કે મુનિ સર્વવિરતિ છે ને? ‘રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે.’ આ રાજાએ શત્રુને આમ માર્યા અને આણે આમ કર્યું - એ બધી રાજકથા છે અને તે પાપકથા છે. (તેનો મુનિને ત્યાગ હોય છે.)
‘ચોરોનું ચોરપ્રયોગકથન તે ચોરકથાવિધાન છે (અર્થાત્ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોરકથા છે)'. -આવી રીતે ચોરી થાય, આવું કરવાથી ચોરી થાય વગેરે કથા તે ચોરકથા છે અને તે અશુભભાવ છે. આ ભાવનો મુનિને ત્યાગ હોય છે. એ વાત તો સામાયિકમાં પણ આવે છે ને? કે સ્ત્રીકથા, રાજકથા વગેરેનો ત્યાગ જ્યારે સમકિતી સામાયિકમાં હોય ત્યારે હોય છે. પોતાના સ્વરૂપના આનંદના વેદનમાં જ્યારે સમકિતી હોય ત્યારે તેને આ વિકથાનો ભાવ હોતો નથી. અહા! સમકિતીને પણ શુદ્ધોપયોગ હોય છે.
અંદર સમ્યગ્દર્શન થતાં આત્માના આનંદનું ભાન તો થયું છે, પણ હવે જ્યારે અંદર એકાગ્રતાનો પ્રયોગ કરે છે ત્યારે શુદ્ધોપયોગ થાય છે. સામાયિકનો અર્થ જ એ છે કે અંતરમાં વીતરાગભાવે જોડાવું, સમતાભાવરૂપ ઉપયોગ. તે સામાયિક કાળે સમકિતીને શુદ્ધોપયોગ થાય છે. લ્યો, ચોથે ગુણસ્થાને પણ સમકિતી શુદ્ધોપયોગને પ્રાપ્ત કરે છે એમ કહે છે. પાંચમે ગુણસ્થાને પણ સામાયિકના કાળે શુદ્ધોપયોગ હોય છે. અને ત્યારે તેને પણ આ ચાર પ્રકારની પાપકથા હોતી નથી.