________________
ગાથા – ૬૬].
[૧૮૭
પડ્યો માટે પર્યાય તે વ્યવહાર છે. તેથી મોક્ષમાર્ગ પણ વ્યવહાર છે. અરે! સિદ્ધપર્યાય પણ વ્યવહાર છે, કારણ કે તે પર્યાય છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય છે. અહા! વસ્તુસ્થિતિ જ આવી છે, વસ્તુની મર્યાદા જ આવી છે અને તેનું આ બધું વર્ણન છે. પણ આ કાંઈ કલ્પિત કહેવામાં આવ્યું નથી.
‘પ્રવચનસાર’માં તો શુભરાગ-વિકારને પણ નિશ્ચયનય-શુદ્ધનય કહ્યો છે. (ગાથા ૧૮૯). જુઓ ભાઈ! ત્યાં એવું કહ્યું છે. અને તે જ પ્રવચનસારની ૯૪મી ગાથામાં શુદ્ધતાને વ્યવહાર કહ્યો છે. તો તે કઈ અપેક્ષાએ છે તે સમજવું જોઈએ. ગાથા ૯૪માં કહ્યું છે કે રાગાદિ તે મનુષ્યવ્યવહાર છે અને શુદ્ધતા તે આત્મવ્યવહાર છે. ત્રિકાળી આનંદકંદ શુદ્ધસ્વરૂપ પ્રભુ આત્માને આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા પ્રગટે તેને આત્મવ્યવહાર કહેવામાં આવ્યો છે, પણ રાગને આત્મવ્યવહાર કહેવામાં આવ્યો નથી. અજ્ઞાનીને એમ થાય છે કે આમાં કેટલું યાદ રાખવું? પણ ભાઈ! આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અરે! તત્ત્વ કેવું છે? કેમ છે? ભગવાન કેવી રીતે કહે છે? –એમ તત્ત્વને શોધવા માટે અજ્ઞાનીએ મહેનત જ કરી નથી. અજ્ઞાની તો ભગવાને વ્યવહારથી આમ કહ્યું છે અને નિશ્ચયથી આમ કહ્યું છે એમ (ઓધે-ઘે માને છે), પણ તેમણે કઈ અપેક્ષાએ કહ્યું છે તે સમજતો નથી.
અહીં કહ્યું કે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પ્રગટ તેને નિશ્ચય કહીએ તો ત્યારે જે શુભવિકલ્પ હોય તેને વ્યવહાર કહીએ. પરંતુ જેને નિશ્ચય પ્રગટ્યો છે એવા જીવના શુભવિકલ્પને વ્યવહાર કહીએ હોં. તે સિવાય કોઈને એકલો વ્યવહાર મનોગુતિ આદિનો શુભવિકલ્પ હોય તો તે વ્યવહાર પણ નથી. મિથ્યાદષ્ટિએ રાગમાં જ સર્વસ્વ માન્યું છે અર્થાત્ તે રાગથી ભિન્ન પડ્યો જ નથી, તો તેના રાગને વ્યવહાર કેમ કહેવો? અહા! આ તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકરની પેઢી છે. તે પેઢી ઉપર બેસી વેપાર કરવો તે આકરું કામ છે. શું કરોડ-અબજોપતિનો મુનિમ પચીસ રૂપિયાના પગારવાળો ઘાંચી હશે? (ના.) તેને તો અબજોપતિ કોને કહેવો, અબજમાં શું આવે તેની ખબર પણ ન હોય. એ તો સો રૂપિયા જેવી નાની ગણતરી કરતો હોય. એમ જેણે એક સમયમાં ત્રણકાળ ને ત્રણલોક જયા-જાણ્યા છે એવા વીતરાગ પરમાત્માની આ પેઢી છે. તો તેના મુનિમ કેવા હોય? (પરમાત્માની પેઢીના મુનિમ જેવા) મુનિને ઉપદેશનો વિકલ્પ ઉઠ્યો છે તો કહે છે કે આવો મારગ ભગવાન કહે છે. અહા! તે વિકલ્પ પણ પુણ્યાસવ છે, પણ સંવર-નિર્જરાનું કારણ નથી.