________________
ગાથા – ૬૬]
[૧૮૫
સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનું કારણ કહેવામાં આવે છે. સાતમા ગુણસ્થાને શુદ્ધતા વધી ગઈ છે તેનું કારણ છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ છે એટલે કે શુદ્ધોપયોગનું કારણ શુદ્ધ પરિણતિ છે તે યથાર્થ છે. છતાંપણ શુદ્ધપરિણતિ સાથે જે શુભોપયોગ છે તેને આરોપથી શુદ્ધોપયોગનું કારણ કહ્યું છે. બીજી રીતે કહીએ તો, જો કે શુદ્ધોપયોગનું ખરું કારણ તો શુદ્ધ પરિણતિ છે. છતાંપણ શુદ્ધ પરિણતિને સ્થાને શુભ પરિણતિને કારણ કહીને શુદ્ધોપયોગનું કારણ શુભોપયોગ છે એમ વ્યવહારે કહ્યું છે.
અહા! ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાને શુદ્ધ પરિણતિ-નિર્મળ વીતરાગદશા છે તે જ સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનું કારણ છે. જો કે નિશ્ચયથી તો આ પણ અર્થાત્ શુદ્ઘપરિણતિને શુદ્ધોપયોગનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. કેમ કે સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ પ્રગટે છે તેનું ખરેખર કારણ તો દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે. ત્રિકાળી દ્રવ્યનો ઉગ્ર આશ્રય લેતાં શુદ્ધોપયોગ થાય છે. માટે, શુદ્ધોપયોગ પહેલાં શુદ્ધપરિણતિ હતી તેને શુદ્ધોપયોગનું કારણ કહેવું એટલે કે એક પર્યાયને બીજી પર્યાયનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. પહેલાંની પર્યાયનો તો અભાવ થઈ જાય છે. તેથી પહેલાંની પર્યાયને બીજી પર્યાયનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. છતાંપણ સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ શુદ્ધોપયોગ દશા પ્રગટે છે તેનું કારણ શુદ્ધપરિણતિને ગણવામાં આવે છે. તેમ જ તેનો આરોપ શુભભાવમાં નાખીને શુભભાવને પણ શુદ્ધોપયોગનું કારણ વ્યવહારથી કહેવામાં આવે છે. નહીંતર ખરેખર તો શુદ્ધોપયોગનું કારણ શુદ્ધદ્રવ્ય છે. કારણ કે જ્યારે કારણપરમાત્માનો ઉગ્ર આશ્રય લે છે ત્યારે શુદ્ધોપયોગ થાય છે. આવી વાત છે.
અહા! સાચો-નિશ્ચય મોક્ષનો માર્ગ મોક્ષનું કારણ છે એમ કહેવું તે પણ એક વ્યવહાર છે. કેમ? કેમ કે નિશ્ચય મોક્ષમાર્ગનો અભાવ થઈને મોક્ષદશા પ્રગટ થાય છે. તેથી, નિશ્ચય મોક્ષમાર્ગ મોક્ષનું કારણ નથી, પણ ત્રિકાળી કારણપરમાત્મા મોક્ષદશાનું કારણ છે અર્થાત્ મોક્ષદશાનું કારણ ખરેખર તો દ્રવ્ય છે. આ રીતે જ્યારે રાગને મોક્ષનું વ્યવહારકારણ કહીએ ત્યારે શુદ્ધપરિણતિને નિશ્ચયકારણ કહેવાય અને જ્યારે શુદ્ધપરિણતિને મોક્ષનું વ્યવહારકારણ કહીએ ત્યારે ત્રિકાળી દ્રવ્યને નિશ્ચયકારણ કહેવાય. આવી વાત છે!
(૧) જ્યારે નિમિત્તને વ્યવહાર કહીએ ત્યારે પોતાની રાગાદિ પરિણતિને, તે સ્વની છે એમ ગણીને, નિશ્ચય કહીએ.