________________
ગાથા – ૫૬]
અહા! શુદ્ધપરિણતિને રચે તેને વીર્ય કહીએ અને તે વીર્યને - સ્વરૂપશુદ્ધતાની રચના કરે તેને – નિશ્ચયપ્રયત્ન કહીએ. જ્યારે શુભભાવને વ્યવહારપ્રયત્ન કહીએ; પરંતુ એ વ્યવહારપ્રયત્ન એટલે તો નપુંસકતા. છતાંપણ અસ્તિ તરીકે (હોવાપણાની દૃષ્ટિએ) વર્ણવતા મુનિને વ્યવહારપ્રયત્ન હોય છે એમ અહીંયા કહેવું છે. ખરેખર તો પોતાના અસ્તિત્વનું જે ખરું વીર્ય છે તે તો શુદ્ધપરિણતિને જ રચે છે અને તેને જ વીર્ય કહીએ. વીર્ય નામનો ગુણ છે તેને ધરનાર દ્રવ્ય છે. તે અનંત ગુણોનું એકરૂપ એવા દ્રવ્યનો જ્યાં આશ્રય લીધો ત્યાં વીર્યગુણ અનંત ગુણની શુદ્ઘપરિણતિની રચના કરે છે અને તેને સાચું વીર્ય ને સાચો-નિશ્ચય-પ્રયત્ન કહેવામાં આવે છે. આ પ્રયત્નની સાથે સાવદ્યયોગના પરિણામના ત્યાગરૂપ વ્યવહારપ્રયત્ન હોય છે. છતાં પણ તે વ્યવહારપ્રયત્ન વીર્યગુણનું સમ્યક્-ખરેખર કાર્ય નથી. કેમ કે ગુણનું કાર્ય તો નિર્મળપણે આવે છે, જ્યારે આ વ્યવહારપ્રયત્ન તો શુદ્ધ-સમ્યપરિણતિવાળી ભૂમિકામાં માત્ર શુભરાગરૂપ હોય છે. કહો, આવી વાત સર્વજ્ઞ સિવાય અને વસ્તુસ્થિતિને બતાવનાર (સંત) સિવાય ક્યાં છે? (ક્યાંય નથી.) અહીં તો પર્યાય-પર્યાયની સંભાળ લીધી છે.
[૭
અહા! કહે છે કે શુદ્ધપરિણતિ ન હોય અર્થાત્ જ્યાં સ્વદ્રવ્યનો આશ્રય જ નથી, જ્યાં પૂર્ણાનંદસ્વભાવી પોતાના ભગવાન આત્માનો પર્યાયમાં સ્વીકાર જ નથી, જ્યાં આનંદાદિ અનંત-અનંત ગુણસ્વભાવમય પૂર્ણસ્વરૂપનો ‘તે આવડું મોટું તત્ત્વ છે’ એવો પર્યાયમાં સ્વીકાર જ નથી અને જ્યાં સ્વદ્રવ્યની પ્રતીતિ તથા તેનું જ્ઞાન નથી ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે. એટલે કે ત્યાં અહિંસાના પરિણામરૂપ શુભોપયોગ હઠ સહિત હોય છે અને તેને તો વ્યવહારપ્રયત્ન પણ કહેવાતો નથી. કેમ કે વ્યવહારપ્રયત્ન તો જ્યાં પૂર્ણ શુદ્ધસ્વભાવનો સ્વીકાર થઈને પરિણતિ શુદ્ધ થઈ છે ત્યાં હોય છે. અહા! શુદ્ધપરિણતિમાં પૂર્ણસ્વભાવનો સ્વીકાર થાય છે મતલબ કે શુદ્ધ પરિણતિમાં ‘આ સ્વભાવ પૂર્ણ છે’ એમ સ્વીકાર થાય છે અને તેથી તે શુદ્ધ થાય છે. તે પરિણતિ વિનાનો જે એકલો શુભપરિણામ છે તેને તો વ્યવહારપ્રયત્ન પણ અહીં કહેતા નથી. પરંતુ જેને સ્વભાવના આશ્રયે નિશ્ચયપ્રયત્ન છે, જેને ત્રિકાળી આત્માની કબૂલાતનું જાહેરનામું પર્યાયમાં પ્રગટ થયું છે તેને વ્યવહારપ્રયત્ન હોય છે એમ કહે છે. જેના પર્યાયમાં પૂર્ણસ્વરૂપ પ્રસિદ્ધિને પામ્યું છે તેવા જીવના તે પર્યાયને નિશ્ચયપ્રયત્ન કહીએ અને તેવા જીવને જે શુભરાગ આવે છે તેને વ્યવહારપ્રયત્ન કહીએ. આ વસ્તુની સ્થિતિ છે. આમાંથી કાંઈપણ આછું-પાછું કરવા જશે તો વસ્તુસ્થિતિ નહીં રહે. આવો મારગ છે!