________________
ગાથા – ૬૫]
[૧૬૯
છે તેને જે વૃત્તિ-શુભભાવ વર્તે છે તેને કહેવામાં આવે છે. તે સિવાય જેને આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મ-અનુભવ નથી તેની વૃત્તિઓ તો પૂર્ણપણે સ્વચ્છંદ છે અર્થાત્ યતિનામધારીને તો સ્વચ્છેદવૃત્તિ જ છે. લ્યો, ભાઈ! અહીં તો આમ કહે છે. અહા! જેમને રાગની ક્રિયા વિનાની ચીજ એવો નિર્વિકલ્પ ચૈતન્ય ભગવાન આત્મા છે તેનો અનુભવસ્વીકાર થયો નથી, જેને અંતમુખ થઈને પૂર્ણાનંદસ્વભાવની પ્રતીતિ થઈ નથી, જેમના ધ્યાનમાં આત્મદ્રવ્ય આવ્યું નથી, જેમને ભગવાન આત્મા ભાસ્યો નથી, જેમને પરમાનંદની મૂર્તિ એવા પ્રભુ આત્માનો દષ્ટિ-સમ્યગ્દર્શનમાં ને સમ્યજ્ઞાનમાં સાક્ષાત્કાર થયો નથી અને જેઓ એકલા ક્રિયાકાંડમાં – શુભ રાગમાં – વર્તે છે તેઓ સ્વચ્છેદવૃત્તિવાળા, વ્યવહારાભાસવાળા છે. તેમને, કહે છે કે, આવી સમિતિનો શુભવિકલ્પ હોય તોપણ એ બધી સ્વચ્છેદવૃત્તિ છે, પણ વ્યવહાર સમિતિ નથી.
પ્રશ્ન:- યતિનામધારી એટલે?
સમાધાન:- કે નામનિક્ષેપે યતિ. જે ૨૮ મૂળગુણ પાળે છે અને લોકો જેને કહે કે આ યતિ છે તે. પણ વાસ્તવિક યતિ નહીં. એક બહરૂપી હતો. તેણે સાધુનો વેષ લીધો. તેણે સાધુ-મુનિનો વેષ એવો કર્યો કે રાજા ખુશ થઈ ગયો અને પૈસા આપવા લાગ્યો. બહુરૂપીએ પૈસા ન લીધા અને કહે કે પૈસા નહીં લઉં. કેમ કે હું (અત્યારે) સાધુ છું. માટે અમારે પૈસા ન ખપે. લ્યો, હવે સાધુના વેષવાળો (બહુરૂપી) પણ એમ કહે કે અમને પરિગ્રહ ખપે નહીં. તો પછી સાચા સાધુની તો શું વાત જ કરવી?) રાવણની પણ વાત આવે છે ને? રાવણ કહે કે સીતાજી પ્રસન્ન થતા નથી તો શું કરવું? ત્યારે કોઈએ રાવણને કહ્યું કે રામનો વેષ પહેરો. કેમ કે સીતાજી સમ્યગ્દષ્ટિ અને મહા બ્રહ્મચારી સતિ છે. ઉપરથી ઇંદ્ર ઉતરે તોપણ તેમને રામચંદ્રજી સિવાય બીજાનો વિકલ્પ ન આવે, એક પતિના વિકલ્પ સિવાય બીજાનો વિકલ્પ ન હોય. રાવણ કહે કે ભાઈતમે મને ભલામણ કરો છો કે રામનો વેષ પહેરીને જાવ, સીતાજી પ્રસન્ન થશે. પણ જ્યાં હું રામનો વેષ પહેરું છું, રામનું રૂપ ધારણ કરું છું અને સીતાજી પાસે જાઉં છું ત્યાં મને સીતાજી માતારૂપે દેખાય છે. અહા! તો પછી જો સાક્ષાત્ રામ થાઉં તો તેની શું વાત કરવી? તેમ કહે છે કે ‘નિજ પદ રમે સો રામ કહીએ.” (જે નિજપદમાં રમે છે તેને રામ કહેવાય છે.)
જુઓ ને, અહીં શું કહે છે? કે જે નિજ આત્માને ધ્યાવે છે તેને ખરેખર સમિતિ હોય છે, પણ સ્વચ્છેદવૃત્તિવાળા અજ્ઞાનીઓને સમિતિ હોતી નથી. આમ કહીને એકલી વ્યવહારસમિતિવાળા યતિનામધારીઓને ઉખેડી નાખ્યા છે (-નિષેધ કર્યો છે).