________________
૧૫૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
એકાગ્ર થઈને તેના આનંદરસને ચૂસે છે. તેમને નિશ્ચય અંતસ્વભાવની દષ્ટિ અને પરિણતિ છે તેમાં અન્નગ્રહણના વિકલ્પનો અભાવ છે અર્થાત્ મુનિને વ્યવહારનો અભાવ છે એમ કહે છે. લ્યો, આ વાત સૌથી પહેલાં સિદ્ધ કરે છે. આવી ચીજ છે! ભારે વાત ભાઈ!
અહા! અંદરમાં જેણે રાગનો મળ-મેલ છોડી દીધો છે તેને કહે છે કે, મળમૂત્રનો ત્યાગ શું? (એટલે કે તેને મળમૂત્રના ત્યાગનો વિકલ્પ કેમ હોય?) જેણે અંદરમાં ગ્રહવાયોગ્ય પૂર્ણાનંદસ્વરૂપ ચૈતન્યને ગ્રહણ કરીને શુદ્ધપરિણતિ પ્રગટ કરી છે તેને દેહ જ નથી તો પછી દેહના મળમૂત્રના ત્યાગનો વિકલ્પ તેની શુદ્ધપરિણતિમાં હોય એમ કેમ બને? ન જ બને.) એટલે કે તે પ્રકારના વિકલ્પનો તેને અભાવ છે. -આમ કહીને એ વાત સિદ્ધ કરે છે કે નિશ્ચય સમ્યગ્દષ્ટિવંત મુનિને મળમૂત્રાદિના ત્યાગનો વિકલ્પ આવે છે તેનો પોતાની શુદ્ધપરિણતિમાં અભાવ છે. એવો વિકલ્પ એ વ્યવહાર છે અને તેનું વસ્તુની અંતર પરિણતિમાં ગ્રહણ નથી. નિર્મળાનંદ પ્રભુ આત્મા શુદ્ધ આનંદઘન છે અને એકલા જ્ઞાનનો પૂંજ છે. તેને ચૂસવામાં જે એકાગ્ર છે તે મુનિની પરિણતિમાં આવા વ્યવહારના વિકલ્પનો અભાવ છે. ભારે કામ! બાપુ! તારો મારગ તો આવો છે. અંદરનો ઉત્સર્ગરૂપ ધોખમાર્ગ એટલે કે શુદ્ધ ચૈતન્યમાં આરૂઢ થતાં નિર્મળ પરિણતિ વહે તે માર્ગ તારો છે. અને તેમાં આ વ્યવહારના શુભ વિકલ્પનો અભાવ છે એમ કહે છે.
એક વાર સંપ્રદાયના એક આચાર્યને અહીંના કેટલાક શાસ્ત્રો આપ્યા. તેમણે વાંચ્યા. પછી તેમણે એમ કહ્યું કે અમે તો વ્યવહારમાં પડ્યા છીએ. આમાં અમને તો (કાંઈ સમજ પડતી નથી.) પરંતુ વ્યવહાર પણ કહેવો કોને? કે જેને અંદરમાં શુદ્ધ ચૈતન્યનું નિર્મળ વીતરાગી પરિણમન થયું છે તેને જે વિકલ્પ આવે તેને વ્યવહાર કહેવાય છે. છતાં સાધક જીવના નિશ્ચય પરિણમનમાં એ વ્યવહાર છે જ નહીં.
પ્રશ્ન:- સમ્યફ વ્યવહાર એટલે?
સમાધાન:- નિશ્ચય સહિતના વ્યવહારને સમ્યફ વ્યવહાર કહે છે. તે સિવાય એકલો વ્યવહાર (-શુભભાવ) હોય તે વ્યવહાર છે જ નહીં. અહીં કહે છે કે નિશ્ચય પરિણતિમાં વિકલ્પરૂપ વ્યવહારનો અભાવ છે. કેમ કે તે રાગ છે. અરે! જ્યાં ધર્મજીવ-સમ્યગ્દષ્ટિ પણ અંદરમાં રાગથી મુક્ત છે તો મુનિની દશા ઘણી જ વીતરાગ પરિણતિએ પરિણમી છે, તેથી તેમને સંજ્વલનના રાગનો જે મંદ ઉદય છે તેનો પણ નિશ્ચય પરિણતિમાં ત્યાગ છે. વીતરાગની વાત આવી છે બાપા!