________________
ગાથા – ૬૪]
[૧૪૯
ઠેકાણા નથી તેને દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધા જ ક્યાં છે? અહા! દિગંબર સંતોની વાણી -કથની તો જુઓ! તે વસ્તુનું સ્વરૂપ જ વર્ણવે છે.
અહીં કહે છે કે પૂર્ણ જ્ઞાનઘન-ચિદ્દન એવું જે પૂર્ણ શક્તિરૂપ સત્ત્વ છે તે જ ધર્મીજીવનું (મુનિનું) ઉપકરણ છે. મુનિની સમીપમાં સહજભાવ પડ્યો છે અને તે મુનિનું ઉપકરણ છે. અહા! પૂર્ણ જ્ઞાનસ્વરૂપ, પૂર્ણ આનંદસ્વરૂપ, પૂર્ણ ધ્રુવસ્વરૂપ એવા આત્માના સમીપમાં મુનિના પરિણામ વર્તે છે, પણ કાંઈ બહાર રહેતા નથી. તેમને શુદ્ધોપયોગમાં એકલો સ્વનો આશ્રય હોય છે. જ્યારે શુભરાગમાં પરાશ્રય હોય છે, કેમ કે વિકલ્પ બહારને લક્ષે ઉત્પન્ન થાય છે.
અહીં માત્ર ‘સહજ જ્ઞાન’ કહ્યું છે, પણ તેની સાથે ત્રિકાળી સહજ આનંદ, ત્રિકાળી સહજ સ્થિરતા-શાંતિ-ચારિત્ર વગેરે પણ લઈ લેવા. અને તે સિવાય બીજું કાંઈ મુનિને ઉપાદેય નથી એમ કહે છે. અહા! ઉપકરણ તો ઉપાદેય નથી, ઉપકરણ સંબંધીનો રાગ તો ઉપાદેય નથી, પરંતુ નિર્મળ પર્યાય પ્રગટી છે તે પણ મુનિને ઉપાદેય નથી. તેઓ તો ધ્રુવસ્વરૂપને જ ઉપાદેય કરીને અંદર સ્વરૂપમાં પડ્યા છે. જુઓ, આ સાતમા ગુણસ્થાનની દશા! આવી દશા મુનિને દિવસમાં હજારો વાર આવે છે. એક અંતર્મુહૂર્તમાં અનેક વાર સાતમું ગુણસ્થાન મુનિને આવે એવો ધવલમાં પાઠ છે. અહો! મુનિ પરમેશ્વર પદમાં ભળ્યા છે ને? મુનિની દશા તો જુઓ!
‘અપહૃતસંયમધરોને પરમાગમના અર્થનું ફરીફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ઉપકરણ છે.’
અપહૃતસંયમધરને કે જે શુભ વિકલ્પમાં આવ્યા છે તેમને પણ છે તો શુદ્ધ ચૈતન્ય આનંદકંદ આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને સંયમ. અર્થાત્ તેમને પણ સંયમ-સ્થિરતા દશા તો છે, પરંતુ તેમને સાતમા ગુણસ્થાનની શુદ્ધોપયોગ દશા નથી. એટલે તેઓ શુભ વિકલ્પમાં છે અને ત્યારે તેમને જ્ઞાનને ફેરવવાનું (-જ્ઞાનના અભ્યાસનું) નિમિત્ત એવું પુસ્તક હોય તે ઉપકરણ છે. લ્યો, શાસ્ત્ર પણ શુભ વિકલ્પનું નિમિત્ત છે તથા શાસ્ત્રનું ભણવું અને વાંચવું એ પણ શુભ વિકલ્પ છે એમ કહે છે. શાસ્ત્ર ભણવામાં લક્ષ જાય એ વિકલ્પ છે, તેમાંથી કાંઈ શાંતિ કે સ્થિરતા આવતી નથી. શાંતિ કે સ્થિરતા તો અંદર ધ્રુવનો આશ્રય કરે તેમાંથી આવે છે.
આ રીતે કહ્યું કે શુદ્ધોપયોગવાળાને નિશ્ચય ઉપકરણ આત્મા છે અર્થાત્ તેનો (-શુદ્ધોપયોગનો) આશ્રય આત્મા છે. જ્યારે શુભ વિકલ્પવાળાને જ્ઞાનનું ઉપકરણ એવું