________________
૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(૨) વ્યવહાર અહિંસા. નિશ્ચય અહિંસા વીતરાગી પરિણામ છે અને વ્યવહાર અહિંસા રાગરૂપ મંદ કષાયના પરિણામ છે. આ રીતે વસ્તુસ્થિતિ છે.
‘કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ અને માર્ગણાસ્થાનના ભેદ પહેલાં જ (૪૨ મી ગાથાની ટીકામાં જ) પ્રતિપાદિત કરવામાં આવ્યા છે; અહીં પુનરુક્તિદોષના ભયથી પ્રતિપાદિત કર્યા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ અહિંસા છે.’
કુળભેદ એટલે જીવની ઉત્પત્તિના (જીવને ઉપજવાયોગ્ય) શરીરોના ભેદ. અર્થાત્ યોનિમાં ઉપજનારા જીવોના શરીરોની વિવિધતાને કુળભેદ કહે છે. તે બધાં થઈને એક સો સાડી સત્તાણું લાખ કરોડ છે. જે ઉત્પત્તિસ્થાન છે તેને યોનિસ્થાન કહે છે. તે બધાં થઈને ચોરાસી લાખ છે. જીવસ્થાનના ભેદ ચૌદ છે તથા માર્ગણાસ્થાનના ભેદ પણ ચૌદ છે. આ કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ તથા માર્ગણાસ્થાનભેદ ૪૨ મી ગાથામાં કહ્યાં છે, તેથી અહીંયા ફરીને કહેવાનું કારણ નથી. તેમના ભેદોને જાણીને... જુઓ, પાઠમાં (-ગાથામાં) પણ એમ છે કે ‘નાળિ—જ્ઞાા' એટલે કે જીવના કુળના ભેદો કેવાં છે, જીવની ઉત્પત્તિ ક્યાં-કયાં થાય છે, જીવના ભેદો કેટલાં છે અને માર્ગણાના ભેદો કેટલાં છે તેને જાણવા એમ કહે છે.
પ્રશ્ન :- એ જાણવું તો અપ્રયોજનભૂત છે?
સમાધાન:- પણ એવું જાણવાનો વ્યવહાર છે કે નહીં? અને તે એક ન્યાયે પ્રયોજનભૂત પણ છે. અહિંસા—રાગની મંદતાના પરિણામ—માટે તે (જીવસ્થાનાદિવાળા) જીવોને જાણવા પ્રયોજનભૂત છે. કઈ-કઈ જાતનાં જીવ ઉત્પન્ન થાય છે (કુળભેદ), ક્યાંકયાં જીવ ઉત્પન્ન થાય છે (યોનિભેદ), ક્યા-ક્યા પ્રકારના જીવની જાત છે અને માર્ગણાની જાતિમાં ક્યાં-ક્યાં જીવ છે તે જાણવું પ્રયોજનભૂત છે.
પ્રશ્ન:- એ તો ઘણાં વિકલ્પ થયા?
સમાધાન:- છતાં તે હોય છે ને? આવું જાણવાનો વ્યવહાર છે કે નહીં? (હા). તેથી આ ભેદો જાણવા માટે પ્રયોજનભૂત છે અર્થાત્ તેણે જાણવું તો જોઈએ કે આવા ભેદો છે. -બસ, એટલું. કેમ કે તે જાણ્યા વિના જીવની હિંસાનો ત્યાગ કઈ રીતે કરશે ? ક્યાં-ક્યાં જીવના સ્થાન છે તેના જ્ઞાન વિના જીવની હિંસાના પરિણામનો ત્યાગ કઈ રીતે કરશે? અને વ્રતની વાત કહીને કોઈને એકદમ મોક્ષ થઈ જતો નથી એમ કહેવું છે. મતલબ કે મુનિરાજ અંદરમાં (-આત્મામાં) ઠર્યા છે તોપણ હજુ તેમને પરાવલંબી રાગભાવ રહે છે એમ કહેવું છે.