________________
૧૪૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
મુનિધર્મ’ - પ્રથમ અધિકાર). - આવું મુનિપણું હોય છે. આ સિવાય મુનિ નામ ધરાવે એટલે કાંઈ મુનિ ન થઈ જાય. તેમ જ કોઈ નન્ન થયો હોય અને ૨૮ મૂળગુણનો વિકલ્પ હોય તો પણ મુનિ નથી. તે વ્યવહારે પણ મુનિ નથી, કારણ કે વ્યવહાર મુનિ તો એને કહીએ કે જેને અંતરમાં અતંદ્રિય આનંદનો ઉગ્ર સ્વાદ—તે સ્વાદને માટે સમયસારની પાંચમી ગાથામાં કહ્યું છે કે પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યો છે અને જે અત્યારે શુભોપયોગમાં છે.
-
અહા! શ્રી ‘સમયસાર’ની પાંચમી ગાથામાં શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે અમને પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યું છે તે અમારો નિજવૈભવ છે અને તેનાથી અમે સમયસાર કહીશું. ચોથે ગુણસ્થાને આનંદનું સંવેદન છે, પણ પ્રચુર નથી. પાંચમે ગુણસ્થાને ચોથા ગુણસ્થાનથી વિશેષ આનંદનું સંવેદન છે અને છ ગુણસ્થાને તો પાંચમા ગુણસ્થાનથી પણ વિશેષ આનંદનું સંવેદન છે. ત્યાં અતીંદ્રિય આનંદની શક્તિમાંથી પર્યાયમાં ઘણી જ વ્યક્તતા —પ્રગટતા—થઈ છે. પરંતુ તેઓ (-મુનિરાજ) અત્યારે શુભોપયોગમાં છે, તેથી તેમને સરાગચારિત્રવાળા કહ્યા છે. પણ સરાગચારિત્રવાળા છે એટલે તેમને એકલો શુભરાગ જ છે એમ નથી. તેમને અંદરમાં સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર તો છે, પણ અત્યારે તેઓ શુદ્ધોપયોગમાં નથી. તેથી, રાગના વિકલ્પ સહિત જે છે તેમને, સરાગચારિત્રવાળા કહ્યા છે. એ સરાગચારિત્રવાળા ‘શુભોપયોગી’ છે અર્થાત્ સરાગચારિત્રવાળા કહો કે શુભોપયોગી કહો - એક જ છે. કેમ કે લેવું-મૂકવું એ શુભરાગ છે ને? આવા શુભોપયોગી મુનિ સાસવી છે, અપવાદી છે.
-
કહે છે કે આવા અપહૃતસંયમીઓને સંયમ, જ્ઞાન, આદિના ઉપકરણો લેતી-મૂકતી વખતે ઉત્પન્ન થતી વ્યવહારસમિતિનો આ પ્રકાર છે. જુઓ! જેમને અંદરમાં સમ્યગ્દર્શન અને જ્ઞાન સાથે સંયમ છે અર્થાત્ સંયમ = સમ્ + યમ = સમ્યગ્દર્શનપૂર્વક જેમને અંદરમાં સ્થિરતા-લીનતા છે તેમની આ વાત છે. અહા! કેટલી ચોક્ખી વાત છે! આમાં ક્યાંય જરા પણ આડું-અવળું કરે તો તેનું ઘર જાય એવું છે. (-તેની માન્યતા ખોટી થાય.)
પ્રશ્ન:- જે આવો વ્યવહાર-શુભોપયોગ-પાળે છે તે શુભોપયોગી મુનિ છે ને?
સમાધાન:- ભાઈ! તે (દ્રવ્યલીંગી મુનિની) અહીંયા વાત નથી. આ તો જેમને અંદરમાં નિશ્ચય દર્શન, જ્ઞાન અને સંયમ છે તેમને આવી સમિતિનો વિકલ્પ ઉઠે છે તો ‘શુભોપયોગી મુનિ' કહે છે અને વિકલ્પને વ્યવહારસમિતિ કહે છે એમ કહેવું છે.