________________
૧૩૬].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ધ્રુવ છે. પરિપૂર્ણ જ્ઞાનપ્રકાશ, આનંદ આદિની તે પૂર્ણ મૂર્તિ છે. તો, જેને તેની અંતર્દષ્ટિ થઈ નથી – તેનું સમ્યગ્દર્શન થયું નથી – તેને સ્વરૂપનું ધ્યાન (-મુનિદશા) હોઈ શકે નહીં. પરંતુ એવા સ્વરૂપના ધ્યાનમાં જેને લીનતા થઈ છે એટલે કે શુદ્ધ અને પૂર્ણ જ્ઞાનઘન એવા ધ્રુવ ચૈતન્ય આત્માને શોધીને તેમાં જે લીન થયો છે અને જેને નિર્વિકલ્પ વીતરાગી દશા પ્રગટ થઈ છે તેને સાચું મુનિપણું હોય છે અને તેને સાચો તપસ્વી-સાચા તપનો કરનાર કહીએ એમ કહે છે. અંદર પણ છે ને? કે ‘પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને’... ગજબ વાત કરી છે ને! ટૂંકી પણ ગજબ વાત છે!
અહા! એક સમયમાં ધ્રુવ ભગવાન આત્મા પૂર્ણ વસ્તુ છે અને તેનું ધ્યાન સમ્યગ્દષ્ટિ કરે છે. પરંતુ મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયનું પણ ધ્યાન તે કરે નહીં એમ કહે છે. સમ્યગ્દષ્ટિને પૂર્ણસ્વરૂપને અવલંબે આનંદની દશા સહિત સમ્યફ મતિ અને શ્રુતજ્ઞાન પ્રગટ્યા છે તેનુંય ધ્યાન હોય નહિ એમ કહે છે. કેમ કે ધ્યાન તો પૂર્ણ જ્ઞાનપ્રકાશની મૂર્તિ નિત્યાનંદ ધ્રુવ આત્માનું હોય છે અને તેમાં લીનતા હોય છે. તો, કહ્યું કે સમ્યદષ્ટિએ “આવો આત્મા છે' એમ શોધીને તેમાં દષ્ટિ તો કરી હતી, પણ હવે તેમાં નિર્વિકલ્પ ઉગ્ર પુરુષાર્થ વડે લીનતા કરે છે અર્થાત્ શાંતિની-ચારિત્રની- વીતરાગતાની જાગૃતિ કરે છે. અને તેને સાચા સંત, સાચા મુનિ, સાચા તપના કરનાર તપસ્વી કહેવાય છે. કહો, મહિના-મહિનાના (બાહ્યથી) ઉપવાસ કરે એટલે તપસ્વી થઈ ગયા એમ નથી. પરંતુ સત્ એવા પૂર્ણ શુદ્ધ ચૈિતન્ય ભગવાન આત્માને દષ્ટિમાં લઈને તેમાં લીન થઈ જવું તે સત્ તપ છે અને તે તપનો કરનાર સત્ તપસ્વી છે. આ સિવાય – આવા ભાન વિના – કોઈ ઉપવાસાદિ કરે તો તે બધી લાંઘણ છે. તે ઉપવાસ નથી પણ અપવાસ-માઠો વાસ છે. કેમ કે રાગમાં ને પુણ્યની ક્રિયામાં તે વસ્યો છે. માટે તે માઠો વાસ છે.
અહા! પૂર્ણ આનંદઘન ભગવાન આત્મામાં દરબાર ભર્યો છે. તેના એક-એક ગુણ પરિપૂર્ણ છે. આવા અનંત ગુણોનું પરિપૂર્ણપણું – અનંત ગુણોનું દરબારપણું – તેમાં ભર્યું છે. જો કે અહીંયા તો સમય (અભેદ) લીધું છે કે “જ્ઞાનપ્રકાશવાળા આત્માનું... છતાંપણ તે જ્ઞાનપ્રકાશમાં પરિપૂર્ણ પ્રકાશવાળા અનંત ગુણો પડ્યા છે (-આવી જાય છે.) આવો તે આત્મા છે. પણ તે પર્યાયવાળો નથી, રાગવાળો નથી