________________
नमः श्री नियमसाराय।
नमः श्री सद्गुरुदेवाय। પ્રકાશકીય નિવેદન
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર અને પ્રવચનસાર જેવાં ઉચ્ચતમ પરમાગમો બાદ, તેવી જ કોટિના આ ત્રીજા પરમાગમ શ્રી નિયમસારને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરીને આ સંસ્થા હર્ષપૂર્વક મુમુક્ષુઓના હાથમાં મૂકે છે.
આ શાસ્ત્રના મૂળકર્તા ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ છે ને ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ છે. શ્રી પદ્મપ્રભદેવ મહાપવિત્ર નિગ્રંથ મુનિ હતા; ટીકાનાં કાવ્યોમાં તેઓશ્રીએ કરેલા અનેક અલંકારોમાં તેમની ઊંડી આધ્યાત્મિકતાની તેમ જ તેમના વિશુદ્ધ બ્રહ્મચર્યજની પ્રભા ઝળકી રહી છે.
શ્રી કુંદકુંદભગવાનરચિત શાસ્ત્રોમાં સમયસાર-પ્રવચનસાર-પંચાસ્તિકાયસંગ્રહ જેટલાં પ્રસિદ્ધિમાં છે તેટલું આ શાસ્ત્ર પ્રસિદ્ધિમાં ન હતું, પરંતુ મુમુક્ષુઓનાં સદ્ભાગ્યે હમણાં તે વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું છે. આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાં આ શાસ્ત્ર સંસ્કૃત ટીકા તથા તેના આધારે બ્ર) શીતલપ્રસાદજીએ કરેલ હિન્દી અનુવાદ સહિત પ્રસિદ્ધ થયું હતું અને હવે તો તે ગુજરાતી ભાષામાં પણ, મૂળ ગાથા તથા સંસ્કૃત ટીકાના અક્ષરશઃ અનુવાદ સહિત, બહાર પડે છે. શ્રી કુંદકુંદભગવાનના પ્રાભૃતત્રય”ની સાથે તેઓશ્રીના આ નિયમસારને ભેળવીને કહીએ તો કુંદકુંદપ્રભુના “રત્નચતુર્ય” તરીકે આ ચારે પવિત્ર પરમાગમો જૈન શાસનમાં ઝળકી ઊઠે છે.
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ વીર સં. ૨૪૭૦ (વિ. સં. ૨૦૭૦)માં નિયમસાર ઉપર પ્રવચનો કર્યા, તે વખતે તેઓશ્રીની ઊંડી દૃષ્ટિએ તેમાંના અતિ ગંભીર ભાવોને પારખી લીધા; અને આવું મહિમાવંત પરમાગમ જો ગુજરાતી ભાષામાં અનુવાદિત થઈને જલદી પ્રકાશિત થાય તો જિજ્ઞાસુઓને ઘણા લાભનું કારણ થાય એવી ભાવના જાગી. ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે પૂજ્ય ગુરુદેવશ્રીની તે ભાવના ઝીલીને નિયમસારના અનુવાદનું કાર્ય શરૂ કર્યું અને પોતાની શક્તિને તે કાર્યમાં કેન્દ્રિત કરીને શક્ય એટલું શીધ્ર આ અનુવાદકાર્ય તેમણે પૂરું કર્યું. એ રીતે શ્રી સમયસાર અને પ્રવચનસારની માફક આ નિયમસાર પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રભાવની જ પ્રસાદી છે. આવાં આવા મહાન પરમાગમોનું, ઊંડાં ઊંડાં રહસ્યોથી ભરેલું આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન સમજાવીને પૂજ્ય ગુરુદેવશ્રી ભારતના મુમુક્ષુ જીવો પર જે પરમ ઉપકાર કરી રહ્યા છે, તે ઉપકારને વાણીથી વ્યક્ત કરવાને આ સંસ્થા અસમર્થ છે.
આ પવિત્ર શાસ્ત્રના ગુજરાતી અનુવાદનું મહા કાર્ય કરનાર ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ અધ્યાત્મરસિક વિદ્વાન હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત અને વિવેકી સજજન છે તથા કવિ પણ છે. મૂળ શાસ્ત્રકાર મુનિભગવંતોના હૃદયના ઊંડા ભાવોની ગંભીરતાને સંપૂર્ણપણે જાળવીને