________________
પ૦૬
કલામૃત ભાગ-૫
પોષ સુદ ૫, શુક્રવાર તા. ૧૩-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૩, ૧૮૪ પ્રવચન-૨૦૧
“મોક્ષ અધિકાર ચાલે છે. અહીં ચેતનાને સિદ્ધ કરવી છે. આત્મા છે એ ચેતના સ્વરૂપ છે અને એ ચેતના બે રૂપે છે - સામાન્ય અને વિશેષ. એ વાત સિદ્ધ કરવી છે. કેમ ? કે, આત્મા ચેતના જે છે એનો અનુભવ તે મોક્ષનો માર્ગ અને મોક્ષ છે. આત્મદ્રવ્ય જે વસ્તુ છે – ચેતનામાત્ર પદાર્થ, એમાં કોઈ દયા, દાન, વ્રત, રાગાદિ ભાવ છે નહિ અને એ ચેતના એક રૂપે કહેવામાં આવે છે, છતાં એનું રૂપ બે છે – સામાન્ય અને વિશેષ. સામાન્ય અને વિશેષ જો ન રહે તો એ ચેતના જ ન રહે. એક બોલ એ સિદ્ધ કર્યો. સમજાય છે કાંઈ ?
સામાન્ય એટલે દર્શનસત્તા અને જ્ઞાન એટલે વિશેષ પર્યાય, જે સત્તા છે તેને જાણનાર. પર્યાય વિશેષ છે, સત્તા સામાન્ય છે. બન્ને ચેતનાનું રૂપ છે. ચેતના એક રૂપે હોવા છતાં એના રૂપ બે છે. એને એક જ રૂપે માને તો ચેતના સિદ્ધ નહિ થાય. ચેતના સિદ્ધ ન થતાં જીવદ્રવ્ય સિદ્ધ ન થાય. જીવદ્રવ્ય સિદ્ધ ન થતાં જીવદ્રવ્યનો ચેતનાનો જે અનુભવ છે એ સિદ્ધ નહિ થાય. થોડી ઝીણી વાત છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
આપણે અહીં આવ્યું છે. “આવી બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે ત્યાં સુધી કાલે આવ્યું છે. છે ? વચમાં છે. આવી બે અવસ્થાઓને છોડે.” બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે.” છે ? બતાઓ (એમને). ભાષા સાદી છે, વસ્તુ (ગંભીર છે).
આ આત્મદ્રવ્ય જે છે એ પરથી ભિન્ન છે) એ ચેતનામાત્ર વસ્તુથી પરથી ભિન્ન છે. એનામાં એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ જે છે એ પણ ચેતનામાં નથી. એ ચેતનાના નથી.
મુમુક્ષુ - ચેતનાનો વિકાર છે એમ કહેવામાં આવે છે.
ઉત્તર :- નહિ, નહિ. વિકાર પર છે. વિકાર અજીવ છે. ચેતના જીવદ્રવ્યનું સત્ત્વ છે. ચેતના જીવદ્રવ્યનું સત્ત્વ છે. વિકાર તે અજીવનું સત્ત્વ છે. ઝીણી વાત છે, બહુ ટૂંકામાં લીધું છે. આહા...હા...! અહીંયાં તો અત્યારે રાડ પાડે છે ને કે, વ્યવહારથી મોક્ષમાર્ગ થાય. અહીં તો વ્યવહારને તો અચેતન કીધો છે. ચેતના જીવદ્રવ્યનો સ્વભાવ (છે) એનાથી તે અચેતન ભિન્ન છે. એ તો ભિન્ન છે પણ ચેતનાને બે પ્રકારે માનો તો ચેતના પણ રહેતી નથી.