________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
પ્રવચન નં-૨૧ ત્યારે પણ જ્ઞાતા; કર્મ ખરે ત્યારેય જ્ઞાતા; સર્વ કાળે તું તો જ્ઞાતા જ છો. એવા સ્વભાવને દષ્ટિમાં લેને! તો તારી કર્તબુદ્ધિ છૂટી જશે. કર્તા બુદ્ધિ સંસારનું કારણ છે. કરી તો શકતો નથી મફતનો અભિમાન કરે છે એ વાત આચાર્ય ભગવાન પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં, પાંચ રત્નમાં કહેવા માગે છે.
ગાથાના મથાળામાં કહ્યું કે આ જે શુદ્ધાત્મા છે તે પરિણામ માત્રનો અકર્તા છે. પરિણામ પરિણામથી થાય છે. આત્માથી પરિણામ થતા નથી. હાથ પગનો ચલાવનાર તો આત્મા નહીં, શબ્દનો બોલનાર પણ આત્મા નહીં; વિકલ્પ થાય તેના કરનાર પણ આત્મા નહીં, વિકલ્પને ઇન્દ્રિયજ્ઞાન જાણે તેનો પણ કર્તા નહીં અને જે જ્ઞાન આત્માને જાણે એનો પણ કર્તા તું નથી. તું તો જ્ઞાતા છો. સર્વ અવસ્થામાં સર્વ કાળે; સર્વ અવસ્થામાં એટલે નિગોદથી માંડીને સિદ્ધ પરમાત્મા સુધીની સર્વ અવસ્થાઓમાં આત્મા ત્રણેય કાળ જ્ઞાતા છે. પણ જ્ઞાતાને સ્વીકાર ન કરતાં, આ રાગાદિનો કર્તા છું કર્મને કરું, દેહને કરું મન-વાણીને કરું એમ સ્વભાવને ભૂલીને અનંતકાળથી કર્તબુદ્ધિ થઈ છે એ કર્તાબુદ્ધિ છોડાવનારી આ પાંચ ગાથા છે.
આપણે ૧૫૪ પેજ સુધી આવ્યા છીએ. “હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” પછી ગુણસ્થાન “હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી.” “હું” આહાહા! “હું” એટલે આત્મા. (તેને બદલે ) આ મનુષ્ય તે “હું', આ “હું” એમ નથી. કર્મ “હું” એમ નથી. રાગ “હું” એમ નથી. દુઃખ હું એમ નથી. તારું હું પણું તો જ્ઞાનમાં છે, તું તો જ્ઞાયક છો !
આહાહા ! આચાર્ય ભગવાન પોતે શુદ્ધઉપયોગ દશા પ્રગટ થવા માટે કર્તાપણાના ઉપચારને ઓળંગીને; તેમને કર્તબુદ્ધિ તો ગઈ 'તી; પણ...પોતે પોતાથી વાત કરીને બીજાને ઉપદેશ આપે છે. કે: અમે પણ અકર્તા અને તમે પણ અકર્તા અને સર્વ જીવો અકર્તા છે. જે અકર્તાનો સ્વીકાર કરે છે તેને સમ્યકદર્શન થાય છે. જ્ઞાતાનો સ્વીકાર કરે તેને સમ્યકદર્શન થાય છે. અને પોતે પોતાની મેળે બીજાના ઉપદેશ વિના “હું” કર્તા છું એમ માને તો મિથ્યાદર્શન થાય છે/સંસાર ઉભો થાય છે.
ચૌદ ગુણસ્થાન છે, ચૌદગુણસ્થાનનાં ભેદો છે, સર્વજ્ઞ ભગવાને ગુણસ્થાન જોયા છે. ચૌદ ગુણસ્થાન છે પણ એનો કરનાર “હું” નથી. થાય એનો કરનાર નથી, છે એનો કરનાર નથી, હું તો એનાથી જુદો જાણનાર....જાણનાર. એમાં પણ પોતે પોતાને જ જાણે એવું જ્ઞાતાનું સ્વરૂપ છે. પોતાને જ પોતે જાણે એવો જ્ઞાતા છે. પરને કરે એવો આત્માનો સ્વભાવ નથી, એવું જ્ઞાતાનું સ્વરૂપ જ નથી, અને પરને જાણે એ પણ જ્ઞાતાનું સ્વરૂપ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com