________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ ચર્ચા ગમે છે. આવા પરિશુદ્ધ ચૈતન્ય તત્ત્વની માધુર્યતા અંતરંગમાં ભાસે તો ચૈતન્યની ચર્ચાને સાંભળવાનો, વિચારવાનો પ્રમાદ છૂટી જાય છે અને ચૈતન્યની પરમ પ્રીતિરૂપ પ્રમોદભાવ જાગૃત થાય છે.
પરમાર્થ પ્રતિક્રમણના પ્રવચનોની શૃંખલાના સ્વાધ્યાય પછી ચિત્તની પ્રસન્નતા ન થતી હોય તો સ્વયંની પાત્રતાનું મૂલ્યાંકન કરવું ઘણું ઘણું જરૂરી છે. અરે ! ચૈતન્યના ચાતકને ચૈતન્યની ચર્ચા વિચારણાથી સંતોષ હોતો નથી. એ તો ચૈતન્ય સાગરમાં તૃપ્ત તૃપ્ત રહેવા માગે છે. “પરિતૃપ્ત ચૈતન્ય તત્ત્વ હું છું” તેવા વિશ્વાસપૂર્વકનું અખંડ પરિણમન થવું તે ચૈતન્યની ચર્ચાનો સાર છે.
નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ દશા પોતાના પર્યાયત્વ પણાના અહમ્ને મિટાવતી, નિરપેક્ષ ચૈતન્ય સતાનો સ્વીકાર કરતી દશા જ ચૈતન્યનો યથાર્થ પરિચય કરાવનારી છે. નિરાપદ ચૈતન્યદેવના સ્વાનુભવમાં સકળ ભેદની દૂરી સમાપ્ત થયેલ છે.
શુદ્ધોપયોગ કહેતાં અજ્ઞાની પ્રાણીને ઉપાધિ દેખાય છે. સાપેક્ષપણાની જ ગંધ આવે છે. પરંતુ શુદ્ધોપયોગ માને જેમાં કેવળ એકલો “હું ત્રિકાળી નિરૂપાધિમયી આત્મા છું' તેમ પ્રતીતમાં આવે છે તેનું નામ શુદ્ધોપયોગ છે. આ શુદ્ધોપયોગની સમર્પણતા છે. તે જ તેની વાસ્તવિકતા શોભા છે. આ સર્વજ્ઞ ભગવાનનું શાશ્વત વિધાન છે.
“ચૈતન્ય વિલાસ” પુસ્તકમાં અકર્તાજ્ઞાતા સ્વભાવની મૂશળધાર અમૃત વર્ષાનો ધોધ ઉછાળ્યો છે. જૈનદર્શનનાં સર્વજ્ઞના વિજ્ઞાનના ગૂઢ-ગુપ્ત રહસ્યોનો વિસ્ફોટ સર્જયો છે. ચૈતન્ય આનંદકોષમાંથી ઉઠેલ અનુભૂતિના તરંગોમાં ચૈતન્યને ડોલાયમાન કર્યો છે. અધ્યાત્મ રસના પ્યાલા ભરી ભરીને આત્માર્થી જીવોને જ્ઞાનાનંદ સ્વભાવનું રસાસ્વાદન કરાવ્યું છે.
અકર્તા-જ્ઞાયકના સાનિધ્યને દગ્ધ કરાવનાર આ અવિનશ્વરત્વની મંગલ પ્રસાદી છે. જેમાં આપનું નિર્ભિત વ્યક્તિત્વ સશક્તવાણી દ્વારા તાદેશ થાય છે. પ્રદત્ત પંચરત્નોના પ્રસાદરૂપ દિવ્ય પ્રવચનોની મણીમાળા ભવ્ય જીવોને અકર્તા જ્ઞાયક સ્વભાવની દિશાને પ્રકાશ કરે તેવી ભવ્ય ભાવના પૂર્વક શાંત રસેન્દુ;
બ્રા. બ્ર. શોભનાબેન જે. શાહ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com