________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨: આત્મભાવના
લેખકની પ્રશસ્તિ
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ વીર સં. ૨૪૮૨માં સમાધિશતક ઉપર પ્રવચનો કર્યા, તેનાં શ્રવણ વખતે જાણે ઉપશાંતઅધ્યાત્મરસનું ઝરણું વહેતું હોય-એવી શાંતિ થતી હતી.....અત્યંત સુગમશેલી, વારંવાર અંતર્મુખી આત્મભાવનાનું ઘોલન, વૈરાગ્યઝરતાં શાંતશાંત મધુર ભાવો, એ બધાથી ભરપૂર પ્રવચનો તત્ક્ષણ જ સંસારના સર્વ સંકલેશોને શમાવીને અંતરમાં ચૈતન્યશાંતિના મધુરા વાતાવરણમાં આત્માને લઈ જતા હતા. આવા અત્યંત સુગમ વૈરાગ્યરસભીનાં આત્માભિમુખી પ્રવચનો સર્વે જિજ્ઞાસુઓને મહાન ઉપકારી હોવાથી તેનું સારભૂત સંકલન “આત્મધર્મ” માં વીર સં. ૨૪૮૩થી ૨૪૯૪ના ૧૧ વર્ષ દરમિયાન પ્રગટ થયું હતું. સર્વે જિજ્ઞાસુઓને તે ખૂબ જ પસંદ પડલ, અને પુસ્તકરૂપે પ્રગટ કરવાની માગણી આવેલ. તેથી વિશેષ સંશોધનપૂર્વક તે બધાં પ્રવચનો આ
આત્મભાવના” પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. પૂ. ગુરુદેવે વીતરાગી સંતોનું હાર્દ ખોલી ખોલીને અને આત્મિકરસનું સીંચન કરી કરીને આ પ્રવચનો દ્વારા સમાધિના હેતુભૂત એવું પરમ આત્મજ્ઞાન સમજાવ્યું છે; બહિરાત્મભાવ છોડાવીને અપૂર્વ અંતરાત્મભાવ જાગૃત કરાવ્યો છે....આવા બોધિસમાધિદાતાર પૂ. ગુરુદેવના મંગલચરણોમાં નમસ્કાર હો.
-બ્ર. હરિલાલ જૈન.
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com