________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬: આત્મભાવના રહેલો છે, તેનામાં જાણવા-દેખવાની તાકાત છે પણ શરીરને ચલાવવાની તાકાત તેનામાં નથી. શરીર તેના સ્વભાવથી જ હાલેચાલે છે, તે જડની ક્રિયા છે, ને તેને જાણે છે તે આત્માની ક્રિયા છે. -આમ જડ-ચેતન બન્નેની ભિન્નભિન્ન ક્રિયાઓ છે. આવી ભિન્નતાને જે જાણે તેને શરીરથી ઉપેક્ષા થઈને આત્મસમાધિ થાય છે.
પ્રશ્ન- આંધળાને તો કાંઈ ખબર નથી, એટલે લંગડો જ તેને માર્ગ બતાવીને હલાવે-ચલાવે છે; તેમ શરીર તો જડ છે, તેને કાંઈ ખબર નથી, આત્મા જ તેની ક્રિયાઓ કરે છે!
ઉત્તર- અરે ભાઈ ! એમ નથી. આંધળો તેના પગથી ચાલે છે, કાંઈ લંગડો તેને નથી ચલાવતો. તેમ શરીર અને આત્માનો સંયોગ હોવા છતાં, શરીર તેની પોતાની શક્તિથી ચાલે છે, તેનામાં જ્ઞાન ન હોવા છતાં તે સ્વયં પોતાની શક્તિથી જ હાલચાલે છે, આત્મા તેને નથી હલાવતો. આત્મા શરીરની ક્રિયા કરે છે-એમ અજ્ઞાનથી જ પ્રતિભાસે છે; તેમ જ શરીરની આંખ વડે આત્મા દેખે છે-એમ પણ અજ્ઞાનથી જ પ્રતિભાસે છે. હું તો જ્ઞાન છું ને શરીર તો જડ છે, હું તો જાણનાર છું ને શરીર આંધળું છે, હું તો અરૂપી છું તે શરીર રૂપી છે, બન્નેની ક્રિયાઓ અત્યંત ભિન્ન છે એવું ભેદજ્ઞાન અજ્ઞાની જીવ કરતો નથી, ને ભેદજ્ઞાન વિના જગતમાં કોઈ શરણભૂત નથી, ક્યાંય શાંતિ કે સમાધિ નથી. અજ્ઞાની જીવ દેહથી ભિન્ન આત્માના ભાન વિના અનાદિથી જડનો દાસ થઈને રહ્યો છે, દેહ અને આત્માનો સંયોગ દેખીને એકતાનો ભ્રમ અજ્ઞાનીને થઈ ગયો છે, ને તેથી તે સંસારમાં રખડે છે. સંયોગ હોવા છતાં બન્નેની ક્રિયાઓ જુદી જ છે-એમ જો ભિન્નતા ઓળખે તો દેહુબુદ્ધિ છોડે ને આત્મામાં એકાગ્રતા કરે.—એ રીતે આત્મામાં એકાગ્રતાથી સમાધિ થાય, શાંતિ થાય ને ભવભ્રમણ છૂટે. (૯૧).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com