________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૧૮: આત્મભાવના
વડે જ મુક્તિ પામ્યા છે; માટે તે જ મુક્તિનો માર્ગ છે, લિંગ તે મુક્તિનો માર્ગ નથી-એમ નિઃશંક જાણવું. (૮૭)
*
હવે લિંગની જેમ ઉત્તમ જાતિ કે કુળ તે પણ દેહાશ્રિત છે, તે મોક્ષનું કારણ નથી; તેથી, ‘અમે બ્રાહ્મણ, અમે ક્ષત્રિય, અમે વાણિયા,-અમારું ઉત્તમ કુળ ને ઉત્તમ જાતિ છે તે જ મોક્ષનું કારણ છે’–એમ જેઓ માને છે તેઓ પણ મુક્તિ પામતા નથી એમ આચાર્યદેવ કહે છે
जातिर्देहाश्रिता दृष्टा देह एवात्मनो भव ।
न मुच्यते भवात्तस्मात्ते ये जातिकृताग्रहा ।। ८८ ।।
જાતિ તો શરીરાશ્રિત છે, તે જાતિને જ આત્માનું સ્વરૂપ જે માને છે તે દેહને જ આત્મા માને છે, એટલે ‘હું વાણિયો છું, હું ક્ષત્રિય છું'–એમ તેને જાતિકૃત આગ્રહ છે, તે જીવ પણ ભવથી છૂટતો નથી. દેહ સાથે એકત્વબુદ્ધિ રાખે તે જીવ દેહના સંયોગથી કેમ છૂટે ? ભાઈ ! વાણિયો કે બ્રાહ્મણ વગેરે જાતિ તે તારી ખરી જાત નથી, તારી ખરી જાત તો ચૈતન્ય જાત છે, ચેતના જ તારું ખરું સ્વરૂપ છે; તારી ચૈતન્યજાતને ઓળખ તો તારી મુક્તિ થાય.
ધર્મી જાણે છે કે અમે તો દેહથી ભિન્ન આત્મા છીએ, ચૈતન્ય જ અમારી જાતિ છે; ક્ષત્રિય વગેરે જાતિ તો દેહાશ્રિત છે. દેહની જાતિ તે અમે નથી. ચૈતન્ય જ અમારી ઉત્તમ જાતિ છે, ને તેની આરાધના કરવી તે જ અમારી ઉત્તમ કુળપરંપરા છે. આવા ભાવપૂર્વક દેહસંબંધી જાતિ અને કુળના વિકલ્પો છોડીને ધર્માત્મા પોતાના ચૈતન્યસ્વરૂપની આરાધના વડે મુક્તિ પામે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com