________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૫૧
શરીરના રંગને જ અજ્ઞાની પોતાના રંગ માને છે, પણ પોતાના ચૈતન્ય-રંગને જાણતો નથી કે જેનાથી ભવનો નાશ થઈ જાય ! ચૈતન્યનો રંગ શું ?-કે અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ તે જ ચૈતન્યનો રંગ છે, તે જ ચૈતન્યનું રૂપ છે; સિદ્ધ જેવી (કેવળજ્ઞાન ને કેવળદર્શનરૂપ ) એની આંખો છે. આ સિવાય કામદેવ જેવું દેહનું રૂપ કે હરણિયાં જેવી આંખો તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી; તેનાથી તો આત્મા જુદો છે. આવા આત્મસ્વરૂપને જે જાણતો નથી ને દેહને જ આત્મા માને છે તેને ધર્મ થતો નથી; ને ધર્મ વગર શાંતિ કે સમાધિ થતી નથી.
સનકુમાર ચક્રવર્તીનું મહાસુંદર રૂપ હતું; દેવોની સભામાં તેના રૂપની પ્રશંસા થતાં દેવો તેનું રૂપ જોવા આવ્યા ને આશ્ચર્ય પામ્યા. ચક્રવર્તી તે વખતે સ્નાનની તૈયારીમાં હતા, તેણે રૂપના જરાક અભિમાનથી દેવોને કહ્યું કે અત્યારે તો હું અલંકાર વગરનો છું, પણ હું જ્યારે ઠાઠમાઠથી અલંકૃત થઈને રાજસભામાં બેઠો હોઉં ત્યારે તમે મારું રૂપ જોવા આવજો. જ્યારે રાજસભામાં દેવો આવ્યા અને રૂપ જોઈને ખેદથી માથું ધુણાવ્યું, ત્યારે ચક્રવર્તી પૂછે છે કે અરે દેવો! આમ કેમ ? શણગાર વગરનું શરીર હતું તે જોઈને તો તમે આશ્ચર્ય પામ્યા હતા, ને અત્યારે આટલો બધો શણગાર છતાં તમે અસંતોષ કેમ બતાવો છો! ત્યારે દેવો કહે છે–રાજન! તે વખતે તારું શરીર જેવું નિર્દોષ હતું તેવું અત્યારે નથી રહ્યું, અત્યારે તેમાં રોગ અને સડાનો પ્રવેશ થઈ ચૂકયો છે. એ સાંભળતાં જ રાજા એકદમ વૈરાગ્ય પામે છે. અરે, આવું ક્ષણભંગુર શરીર! શરીરના રૂપની આવી ક્ષણિકતા !! દેહથી ભિન્નતાનું તો ભાન તેમને હતું, પણ જરાક રાગ હતો તે પણ તોડીને અતીન્દ્રિય ચૈતન્યને સાધવા ચાલી નીકળ્યા. દેહથી ભિન્નતાનું જેને ભાન નથી ને દેહની ક્રિયાઓને– દેહનાં રૂપને પોતાનાં માને છે તે દેહાતીત એવા સિદ્ધપદને કે આત્માને કયાંથી સાધશે ? જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં જ દેહના રૂપમદનો અભાવ થઈ જાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com